શહેરની ભાગોળે આવેલા હરિપર પાળમાં રહેતો અને ખીરસરા આટીઆઇમાં અભ્યાસ કરતો તરુણ શનિવારે તેના ત્રણ સાથી સહાધ્યાયી મિત્ર સાથે આઇટીઆઇ ગયો હતો અને ત્યાંથી નીકળ્યા બાદ તરુણ લાપતા થઇ ગયો હતો, જેની રવિવારે ક્રાઇસ્ટ કોલેજ નજીક તળાવમાંથી લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી.
જે સંજોગો અને સ્થિતિમાં લાશ મળી તેના પરથી અનેક શંકાઓ સેવાઇ રહી છે. હરિપર પાળની રિયલ રેસિડેન્સીમાં રહેતો ધાર્મિક અશોકગીરી ગોસ્વામી (ઉ.વ.16) શનિવારે ખીરસરા આઇટીઆઇમાં ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે તેમ કહી બાઇક લઇને ઘરેથી નીકળ્યો હતો, પુત્ર રવાના થયા બાદ તેના પિતા અશોકગીરી અને માતા વર્ષાબેન ટીંબડી ગામે વર્ષાબેનના પિતાની ખબર અંતર પૂછવા જવા નીકળ્યા હતા.
બપોરે ચારેક વાગ્યે પિતા અશોકગીરીએ પુત્ર ધાર્મિકને ફોન કર્યો હતો, પરંતુ તેનો ફોન સ્વિચઓફ આવ્યો હતો, અનેક પ્રયાસો છતાં ફોન લાગ્યો નહોતો, સગાંસંબંધીને ત્યાં તપાસ કરાવી હતી પરંતુ પત્તો નહીં લાગતાં અશોકગીરી અને તેના પત્ની વર્ષાબેન રાત્રે સાડા નવેક વાગ્યે રાજકોટ પરત આવી ગયા હતા.
ગોસ્વામી પરિવાર મેટોડા પોલીસ સ્ટેશને ગયો હતો અને પુત્ર લાપતા હોવાની જાણ કરતાં પોલીસે તપાસ શરૂ કરી હતી, દરમિયાન પરિવારજનોને જાણવા મળ્યું હતું કે, ધાર્મિક તથા તેના ત્રણ મિત્ર પ્રકાશ, ધ્રુવ અને ધાર્મિક જોષી આઇટીઆઇ ગયા હતા.
ત્યાં જતાં વરસાદને કારણે રજા હોવાનું જાહેર થતાં ચારેય મિત્ર ત્યાંથી રવાના થઇ ગયા હતા, અશોકગીરી રાત્રે પ્રકાશના ઘરે ગયા હતો તો પ્રકાશે કહ્યું હતું કે, ધાર્મિકને કામ હોવાથી તે જતો રહ્યો હતો.