છેલ્લા ઘણા દિવસથી રાજકોટમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. રાજકોટમાં એક જ દિવસમાં હાર્ટએટેકથી મૃત્યુના વધુ ત્રણ બનાવ બન્યા છે. જેમાં 26, ૪૦ અને ૪૧ વર્ષના ત્રણ યુવાને જીવ ગુમાવ્યો હતો.
પ્રથમ બનાવમાં રૈયા રોડ પર હનુમાન મઢી પાસે કેન્સર હોસ્પિટલ પાછળ તિરૃપતી સોસાયટીમાં રહેતો અને એચડીએફસી બેંકમાં કેશીયર તરીકે નોકરી કરતો કિશનભાઇ કિરીટભાઇ ધાબલીયા નામના 26 વર્ષના યુવાનને પણ છાતીમાં દુઃખાવો ઉપડતાં સિવિલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ નિપજ્યું હતું. તે બે ભાઇમાં મોટો હતો અને હતો. તબીબે હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. યુવાન અને આધારસ્તંભ તથા આશાસ્પદ દિકરાના મૃત્યુથી ધાબલીયા પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
બીજા બનાવમાં કોઠારીયા રોડ પર તિરૃપતી સોસાયટીમાં રહેતાં પ્રાઇવેટ નોકરી કરતાં ૪૦ વર્ષીય રાજેન્દ્રસિંહ ગજુભા વાળા ઘરે હતાં ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત થયું હતું. રાજેન્દ્રસિંહને હાર્ટએટેક આવતા તેમનું મૃત્યુ થયાનું જણાવાયું હતું.
ત્રીજા બનાવમાં કાલાવડ રોડ પર અવધ હાઉસીંગ સોસાયટીમાં છઠ્ઠા માળે રહેતાં પ્રાઇવેટ નોકરી કરતાં મહેન્દ્રભાઇ નાથાભાઇ પરમાર (ઉ.વ.૪૧)ને પણ છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ટુકી સારવારમાં તેમનું મોત થયું હતું.