રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ 9 શાકમાર્કેટ અને 84થી વધુ હોકર્સ ઝોનમાં સફાઇ ચાર્જ વધારીને બમણો કરી નાખતા અને તેની 1લી સપ્ટેમ્બરથી અમલવારી શરૂ કરી દેવાતા શાકબકાલાના ધંધાર્થીઓમાં વિરોધનો સૂર ઉઠ્યો છે.
આ મુદ્દે બુધવારે બેડીપરામાં કુરજી વેકરિયા શાકમાર્કેટ એસોસિએશનના આગેવાનો મનપા ખાતે ધસી આવી અને વિરોધ નોંધાવ્યો હતો.
કુરજી વેકરિયા શાકમાર્કેટ એસો.ના વેપારીઓએ રજૂઆત કરી હતી કે, અગાઉ માર્કેટનું ભાડું રૂ.60 હતું. જે વધારીને રૂ.500 કરાયું હતું ત્યારે પણ અમે વિરોધ નોંધાવ્યો હતો. હવે રૂ.500માંથી સીધા બમણા કરી રૂ.1000 કર્યા છે.
ભાડાવધારા અંગે માર્કેટના વેપારીઓ કે એસો.ને જાણ પણ કરાઇ નથી. આ ભાવવધારો અમને પોષાય તેમ નથી. સાથે જ માર્કેટમાં ખરીદી કરવા આવનાર નાગરિકો ઘટતા વેપાર પણ ઓછો થયો છે. જેથી ભાડું ફરી રૂ.500 કરી આપવા માગણી કરી છે.