આજથી ગણેશોત્સવ શરૂ થાય છે અને ગણેશોત્સવ પૂર્ણ થયા બાદ ગણેશ વિસર્જન કરાશે. ત્યારે રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ગણેશ વિસર્જન નક્કી કરાયેલા સ્થળ સિવાય કોઈ જગ્યાએ કરી શકાશે નહિ. આ માટે જાહેર નામું બહાર પાડ્યું છે.
રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં આગામી ગણેશ મહોત્સવ નિમિત્તે રાજકોટના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.કે.ગૌતમ દ્વારા ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારમાં 7 સપ્ટેમ્બર સુધી જાહેર કરેલા આદેશ મુજબ, સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વગર ગણેશ વિસર્જન કે અન્ય ધાર્મિક સરઘસ કાઢવું નહીં, સક્ષમ સ્થાનિક સત્તામંડળએ મૂર્તિ વિસર્જન માટે સુનિશ્ચિત કરેલ સ્થળ સિવાયની કોઈ પણ જગ્યાએ, પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા જળસ્રોત જેવા કે, ડેમ, તળાવ, નદી, કૂવામાં મૂર્તિ વિસર્જન કરવું નહીં.સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિને, સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક દળની વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડાને સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને તથા કોઈ સ્મશાન યાત્રાને રોકવામાં આવશે નહીં. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.