જસદણ શહેરના હૃદય સમા તરગાળા શેરીની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. શહેરના મધ્યમાં આવેલો હોવા છતાં, આ વિસ્તારનો મુખ્ય માર્ગ ગાડામાર્ગને પણ શરમાવે તેવી બદતર સ્થિતિમાં ફેરવાઈ ગયો છે, જેના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરગાળા શેરીનો રોડ એટલો બધો ખરાબ થઈ ગયો છે કે તેના પરથી પસાર થવું જોખમી બન્યું છે.
ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ ઉપરાંત, જસદણમાં સહેજ પણ વરસાદ પડે તો આ રોડ પર પાણી ભરાઈ જાય છે, જેના કારણે સ્થિતિ વધુ વણસે છે અને લોકોને જીવના જોખમે પસાર થવું પડે છે. સતત અકસ્માતનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે.
પાલિકાની કામગીરીથી પ્રજા ત્રસ્ત એક તરફ વિકાસના મોટા મોટા દાવા કરતી જસદણ નગરપાલિકાના અધિકારીઓ અને પ્રમુખ સહિતના પદાધિકારીઓ આ ગંભીર સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે. લોકોની વારંવારની રજૂઆતો છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સત્તાધીશો ખુરશી છોડી પ્રશ્નો હલ કરે તેવી માગણી તરગાળા શેરીના નાગરિકોની સ્પષ્ટ માંગ છે કે જસદણ નગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો તેમની સત્તાની ખુરશી પરથી ઊભા થઈને પ્રજાના આ તાત્કાલિક પ્રશ્નને હલ કરવા માટે નક્કર પગલાં ભરે. જો તાત્કાલિક ધોરણે આ રોડનું સમારકામ કરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા આંદોલન છેડવાની ફરજ પડશે.