રાજકોટ શહેરમાં ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી ખૂબ ઓછો વરસાદ થવાને કારણે જીવાદોરી સમાં આજી-1 તેમજ ન્યારી-1 ડેમમાં નવા પાણીની ખાસ આવક થઈ નથી. જેને લઈને મનપા દ્વારા નર્મદા નીરની માગ કરવા વિચારણા કરવામાં આવી રહી હતી. જોકે, નર્મદામાં પાણીની સારી આવક હોવાથી સરકાર દ્વારા સામેથી આજી-1 ડેમમાં નર્મદાનાં નીર ઠાલવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આજ સુધીમાં આજી-1માં 44 MCFT પાણીની આવક પણ થઈ ચૂકી છે. આગામી દિવસોમાં ન્યારી-1 ડેમમાં પણ નર્મદાનાં નીર ઠાલવવા અંગે નિર્ણય લેવામાં આવશે.
નર્મદાના નીરથી આજી-1ની સપાટીમાં 0.33 ફૂટનો વધારો પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ શહેર તેમજ સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણીની આવક પ્રમાણમાં ખૂબ ઓછી છે. ત્યારે રાજકોટની જળજરૂરિયાત સંતોષવા માટે સરકારે ફરી એકવાર નર્મદા યોજનાના પાણીનો સહારો લીધો છે. બે દિવસ પહેલા જ આજી-1 ડેમમાં નર્મદાનું પાણી ઠલવવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેના પરિણામે ડેમની સપાટીમાં 0.33 ફૂટનો વધારો નોંધાયો છે. હાલ ડેમમાં 900 એમસીએફટીની ક્ષમતા સામે 654 એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
આજી-1 ડેમમાં ચાર દિવસ ચાલે તેટલું પાણી ઠલવાયું સામાન્ય રીતે ચોમાસુ શરૂ થયા બાદ સિંચાઈ વિભાગ દ્વારા સૌની યોજના હેઠળનું પાણી આપવાનું બંધ કરી દેવામાં આવે છે, જેથી વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે. જોકે, આ વર્ષે જુલાઈ મહિનો પૂરો થઈ જવા છતાં રાજકોટના ડેમોમાં વરસાદી પાણીની આવક નહીંવત રહી છે. આ સ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારને સૌની યોજનાનું પાણી શરૂ કરવા માટે પત્ર લખવા વિચારણા ચાલી રહી હતી. મેયરે 7 ઓગસ્ટ સુધીમાં વરસાદ ન થાય તો નર્મદાના નીર આપવા માટે સરકારને રજૂઆત કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.