શહેરના ઢેબર રોડ પર સ્વામિનારાયણ ગુરુકુળ પાછળ ગોપાલનગર-3માં આમંત્રણ ફ્લેટ નં.101માં રહેતા પ્રતાપસિંહ રામસિંહ ચૌહાણ(ઉ.વ.60)નામના વૃદ્ધે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હેમુ ગઢવી હોલની પાસે,ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા અને વિજય કોમર્સિયલ બેંકના વેલ્યુઅર તરીકે નોકરી કરતાં જગદીશ મનહરલાલ ગેરિયા(ઉ.વ.62)નું નામ આપ્યું હતું.
પ્રતાપસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ હાલ નિવૃત્ત જીવન પસાર કરે છે. તેમને પૈસાની જરૂરિયાત હોય જેથી તેમના પુત્ર કેવલસિંહનું વિજય કોમર્સિયલ બેંકમાં ખાતું હોય જેથી તેમણે પોતાની સોનાની ચેઈન જેનો વજન 28 ગ્રામ હતો તેના ઉપર ગત તા.01/02/2024ના વિજય કોમર્સિયલ બેંક કનક રોડ બ્રાન્ચમાં ગોલ્ડ લોન કરાવી હતી. ચેઈનના બદલામાં જે તે વખતે બેંકના મેનેજરે રૂ.91,256ની લોન મંજૂર કરી હતી.
જેના બદલામાં ચેઈનને બેંકમાં ગીરવે રાખી હતી.જેથી ફરિયાદી પાસે પૈસાની સગવડ ન થતાં બેંક તરફથી લોનના હપ્તાની ભરપાઈ ન કરી શકાતા, ફરિયાદીએ ગત તા.16/05/2025ના બેંકે જઈ મેનેજરને આ બાબતે વાત કરી હતી. ફરિયાદીએ બેંક મેનેજરને જણાવ્યું હતું કે, તમે મારી સોનાની ચેઇન વેચી લોનની જે રકમ છે તે વસૂલ કરી અને વધારાની રકમ પરત આપી દો. બાદમાં આ બેંકના વેલ્યુઅર જગદીશે ફરિયાદીને આ ચેઇન હું ખરીદવા માગું છું તમને કોઈ વાંધો ન હોય તો એમ જણાવ્યું હતું.