રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હજુ આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે તારીખ 29 અને 30 જુલાઈ કેટલાક વિસ્તારોમાં 4 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જણાવે છે કે, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં હજુ બે દિવસ એટલે કે 29 અને 30 જુલાઈ સારો વરસાદ નોંધાય તેવી શક્યતા છે. મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં 1થી 4 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે. રાજકોટ જિલ્લાના પૂર્વ ભાગો છે જેમ કે જસદણ, પાળિયાદ, વીંછિયામાં સારો વરસાદ થઇ શકે છે. જ્યારે અન્ય વિસ્તારોમાં ઝાપટાં પડી શકે છે.
દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે. અમુક જગ્યાએ તો 8થી 10 ઇંચ વરસાદ પડ્યો છે. અત્યારે વરસાદની જે સિસ્ટમ છે તે દક્ષિણ રાજસ્થાન અને પૂર્વના ભાગો ઉપર સક્રિય છે. તે ગુજરાત ઉપરથી પણ પસાર થઇ રહ્યો છે. જેના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 29 અને 30 જુલાઈ સુધી તીવ્રતા સાથે વરસાદ પડશે.
રાજકોટ જિલ્લાના 27 ડેમમાં 56.57 ટકા પાણીનો સંગ્રહ, ઉપરવાસમાંથી આવક ચાલુ વરસાદની આ વર્ષની સિઝનમાં જૂન માસમાં વરસાદનું જોર વધારે રહ્યું છે.જ્યારે રાજકોટમાં જુલાઇ માસમાં પણ વરસાદ નોંધાયો છે. જોકે છેલ્લા એક સપ્તાહથી વરસાદી વાતાવરણ છે, પરંતુ વરસાદ મન મૂકીને વરસતો નથી. શહેરમાં ઉપરાંત ઉપરવાસમાં પણ વરસાદ ચાલુ રહેતા જિલ્લાના જળાશયો, ડેમમાં નવાં નીરની આવક થઇ રહી છે. ચાલુ વર્ષે રાજકોટ જિલ્લાના જળાશયો-ડેમમાં 56.57 ટકા પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે સૌરાષ્ટ્રના 81 ડેમમાં સરેરાશ 50.41 ટકા પાણીનો સંગ્રહ થયો છે. જોકે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 4 ટકા વધુ જળસંગ્રહ થયો છે. જો ઉપરવાસમાં વરસાદ ચાલુ રહેશે તો હજુ પાણીનો સંગ્રહ વધવાની સંભાવના છે. હાલ જે પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે.જે ખેતી માટે આશીર્વાદ રૂપ સાબિત થશે. હજુ ચોમાસું વિદાય થવાને આડે હજુ બે મહિનાથી વધુ સમયગાળો છે ત્યારે સિસ્ટમ મજબૂત બનશે તો વરસાદનું જોર રહેશે તેવી આગાહી વ્યક્ત કરી છે.