રાજકોટ એસટી બસપોર્ટમાં જીપીએસ સિસ્ટમ છેલ્લા 8 મહિનાથી બંધ છે જેને કારણે મુસાફરોને મુશ્કેલી પડી રહી છે ત્યારે આ અંગે મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી તેમજ અધિકારીઓના મુસાફરો પ્રત્યે અણછાજતા વર્તનને લઇને પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. પોતાની ફરજમાં બેદરકારી રાખતા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા અને પગલાં ભરવા માટે રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે,રાજકોટ બસપોર્ટમાં છેલ્લા આઠેક માસથી રાત્રિના નવથી સવારના પાંચ સુધી એલઇડી સ્ક્રિન, જીપીએસ સિસ્ટમ સદંતર બંધ કરી દેવામાં આવી છે. સિસ્ટમ શોભાના ગાંઠિયા સમાન રહેતા મહિનાઓથી હજારો મુસાફરોને લોકેશન જોવા મળતું નથી. તેથી ઘણીવાર મુસાફરો પોતાની બસ ચૂકી જાય છે અને તેઓને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.
12 મે 2025ના મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા ઉચ્ચસ્તરીય રજૂઆતો કરવામાં આવી હતી જેને પગલે નિગમની વડી કચેરી દ્વારા 17 ફેબ્રુઆરી 2025થી સિસ્ટમ શરૂ કરવા લેખિત આદેશ કરાયો હતો. આ કાર્યવાહી ફક્ત બે દિવસમાં પૂર્ણ કરી વડી કચેરીને જવાબ આપવા આદેશ કરેલ હતો. બે દિવસને બદલે 70 દિવસ પછી પણ જીપીએસ સિસ્ટમ રાત્રે શરૂ કરવામાં આવી નથી.