રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓ ટૂંક સમયમાં યોજાનાર છે, જેને લઈને રાજકોટ શહેર કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાયા હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ મનપામાં મોટો ભ્રષ્ટાચાર ચાલતો હોવાનાં આરોપ સાથે આજે (25 જુલાઈ) કોંગ્રેસ દ્વારા મનપા કચેરીએ રીતસર હલ્લાબોલ કરાયો હતો. ‘ભાજપ તારો ભ્રષ્ટાચાર બંધ કરો બંધ કરો’ સહિતના સૂત્રોચ્ચાર કરી ડે. કમિશનરને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. તેમજ ખાડા અને ફાયર સેફટીનાં ઉપરાંત કમ્પ્લીશનનાં મુદ્દે ભ્રષ્ટાચાર બંધ નહીં થાય તો 11 દિવસ બાદ કમિશનરને ખુરશી ઉપર બેસવા ન દેવાની ચીમકી પણ આપવામાં આવી હતી.
લાંબા સમય બાદ કોંગ્રેસના બધા નેતાઓ સાથે જોવા મળ્યાં પ્રાપ્ત વિગત મુજબ, રસ્તા પરના ખાડા, ફાયર સેફ્ટી અને કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવવામાં થતી હાલાકી સહિતના મુદ્દાઓને લઈ કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છનાં પ્રભારી ભૂપેન્દ્ર મારવી અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાની આગેવાનીમાં લગભગ 300 જેટલા કોંગ્રેસના કોંગી આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ડે. કમિશનરને ઉગ્ર રજૂઆત કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં લાંબા સમય બાદ કોંગ્રેસના બધા નેતાઓ અને અગ્રણીઓ એકસાથે જોવા મળ્યા હતા, જે કોંગ્રેસમાં એકતાનો સંકેત આપે છે.