રાજકોટ PCB પોલીસે ક્રેટા કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખસોને ઝડપી પાડ્યા છે. PCBની ટીમનાં પેટ્રોલિંગ દરમિયાન અમદાવાદ-રાજકોટ હાઈ-વે પરથી વિદેશી દારૂના જથ્થા સાથેની ક્રેટા કાર પસાર થવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે PCBની ટીમે કુવાડવા ગામ, વાંકાનેર ચોકડી નજીક વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ક્રેટા કાર આવતા જ તેને અટકાવી તલાશી લેવામાં આવતા તેમાંથી જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસ દ્વારા કુલ 864 બોટલ વિદેશી દારૂ અને ક્રેટા કાર સહિત રૂ. 11,06,624નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો તેમજ 25 વર્ષીય દિનેશકુમાર મુકનારામ ગોદારા તેમજ 36 વર્ષીય રામજીવન કુંભારામ જાંગુ નામના રાજસ્થાન પંથકનાં બે શખસોને ઝડપી લઈ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આ ગુનામાં સામેલ જૂનાગઢના રવિરાજ વાંક અને ભીખનભાઈ આહીરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.