રાજકોટમાં આજે મહોરમના તહેવારને લઈને ઈમામ હુસૈનના ચાહકો દ્વારા અવનવા 200થી વધુ તાજીયા તૈયાર કરવામાં આવેલાં છે. શહેરના સદર બજાર, નહેરુનગર, કિશાનપરા ચોક, રામનાથપરા સહિતના વિસ્તારોમાં તાજીયા પડમાં આવ્યા હતા. જ્યાં લાઈટિંગ સાથે તાજીયા અનોખી રીતે શણગારવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. આ સાથે જ હિન્દુ સમાજના લોકો પણ જોડાતા કોમી એકતાના દર્શન થયા હતા. આ ઉપરાંત તાજીયાના દર્શન કરી અનેક લોકોએ પોતાની માનતા પૂર્ણ કરી હતી. આ દરમિયાન સબિલ કમિટી દ્વારા સરબત સહિતનું વિતરણ કરાયુ હતું.
રાજકોટના સદર તાજીયા કમિટીના પ્રમુખ હબીબ કટારીયાએ જણાવ્યું હતું કે, રાજકોટના તમામ તાજીયા ગઈકાલે વરસાદ વચ્ચે સરસ રીતે ફર્યા. જેથી નહેરુનગર, બ્રહ્મ સમાજ ચોક, નૂરાનીપરા સહિતના વિસ્તારોમાં તાજીયા ફર્યા હતા. જોકે આજે સવારથી મેઘરાજાની સવારી આવી ગઈ છે. આજે વરસાદ પડી રહ્યો છે તેમ છતાં પણ ઈમામ હુસૈનના ચાહકો દ્વારા ઉત્સાહપૂર્વક તાજીયા પડમાં લાવવામાં આવ્યો છે. જેમાં હિન્દુ અને મુસ્લિમ સહિતનાં તમામ સમાજના લોકો અહીં તાજીયાના દર્શન માટે આવ્યા છે. આ રીતે કોમી એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ અહીં જોવા મળે છે. હાલ જે રીતે ભાઈચારાથી મહોરમનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે તે રીતે તમામ તહેવારો અહીં ઉજવવામાં આવે છે.