વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બ્રિક્સ સમિટમાં નવા વિશ્વ વ્યવસ્થાની માંગણી ઉઠાવી હતી. તેમણે કહ્યું હતું કે આજે વિશ્વને બહુધ્રુવીય અને સમાવેશી વ્યવસ્થાની જરૂર છે. તેની શરૂઆત વૈશ્વિક સંસ્થાઓમાં પરિવર્તનથી કરવી પડશે.
વડાપ્રધાને કહ્યું, ’20મી સદીમાં રચાયેલી વૈશ્વિક સંસ્થાઓ 21મી સદીના પડકારોનો સામનો કરવામાં અસમર્થ છે. AIના યુગમાં, ટેકનોલોજી દર અઠવાડિયે અપડેટ થાય છે, પરંતુ વૈશ્વિક સંસ્થા 80 વર્ષમાં એક પણ વખત અપડેટ થતી નથી. 20મી સદીના ટાઇપરાઇટર 21મી સદીનું સોફ્ટવેર ચલાવી શકતા નથી.’
વડાપ્રધાને કહ્યું, ‘ગ્લોબલ સાઉથના દેશો ઘણીવાર બેવડા ધોરણોનો ભોગ બન્યા છે. વિકાસ હોય, સંસાધનો હોય કે સુરક્ષા સંબંધિત મુદ્દાઓ હોય, ગ્લોબલ સાઉથને ક્યારેય પ્રાથમિકતા આપવામાં આવી નથી. તેમના વિના, વૈશ્વિક સંસ્થાઓ એક મોબાઇલ ફોન જેવી છે જેમાં સિમ કાર્ડ હોય પણ નેટવર્ક ન હોય.’
17મી બ્રિક્સ સમિટ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યોજાઈ રહી છે. પીએમ મોદીએ તેમાં ભાગ લીધો છે. તેઓ આજથી બ્રાઝિલની 3 દિવસની મુલાકાતે છે. આ વખતે બ્રિક્સનો એજન્ડા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો યોગ્ય ઉપયોગ, આબોહવા કાર્યવાહી, વૈશ્વિક સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ છે.