શાપરમાં રહેતા બે મિત્રએ વધુ નશો કરવા માટે દેશી દારૂમાં એસિડ ભેળવ્યું હતું તે મિશ્રિત દારૂ બંનેએ ગટગટાવ્યો હતો, બંનેની હાલત કફોડી બનતા બંનેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. શાપરમાં રહેતા વિશાલ રાજુભાઇ પરમાર (ઉ.વ.18) અને તેના મિત્ર યુવરાજ રાઠોડે (ઉ.વ.19) ગુરૂવારે રાત્રે સાડા નવેક વાગ્યે શાપરમાં પિતૃકૃપા હોટેલ નજીક એસિડ પી લેતાં બંનેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યા હતા.
એસિડ પીવાથી યુવરાજ અને વિશાલની હાલત કફોડી બની હતી, શુક્રવારે સવારે વિશાલ ભાનમાં આવતા તેણે કહ્યું હતું કે, પોતાને દેશી દારૂ પીવાની કૂટેવ છે, ગુરૂવારે રાત્રે તેણે દેશી દારૂની કોથળી લીધી હતી અને બાદમાં વધુ નશો કરવા માટે ટોઇલેટની સફાઇમાં ઉપયોગમાં લેવાતા એસિડની બોટેલ કરિયાણાની દુકાનેથી લીધી હતી, દારૂમાં તે એસિડ મેળવ્યું હતું.
એસિડ મિશ્રિત દારૂ લઇને મિત્ર યુવરાજ પાસે ગયો હતો, યુવરાજે શરૂઆતમાં તો પોતે દારૂ પીતો નહીં હોવાનું કહ્યું હતું, ત્યારબાદ તેણે તે દારૂ પીધો હતો, એસિડ મિશ્રિત દારૂ પીધા બાદ યુવરાજની હાલત કફોડી બની હતી અને તે તરફડિયા મારવા લાગ્યો હતો, તરફડિયા મારતા મારતા તેણે તેના મામાને ફોન કર્યો હતો અને તેના મામા સહિતના લોકો સ્થળ પર પહોંચ્યા હતા અને યુવરાજ તથા વિશાલને રાજકોટ ખસેડાયા હતા. જો કે સારવાર કારગત નીવડી ન હતી અને બંને મોતને ભેટ્યા હતા.