રાજકોટ જામનગર રોડ પર આવેલા વિસ્તારમાં રહેતા મૂળ બિહારના વતની યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા અયાન ફિરોઝ શેખનું નામ આપી જણાવ્યું હતું કે, તેની બહેન 16 વર્ષની છે અને તે ધો.10માં અભ્યાસ કરે છે. ગઇકાલે વહેલી સવારે 5 વાગ્યે મારા માતા પાણી ભરવા માટે ઉઠ્યા ત્યારે દીકરી કયાંક જોવા મળી ન હતી, જેથી તેણે મને જાણ કરી હતી. પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી અને ઘર સામે રહેતા પરિવારનું એકિટવા વાહન જોવા મળ્યું ન હતું. દરમિયાન પડોશી ફિરોઝ શેખનો ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે તેના પુત્ર અયાનનો વોઇસ મેસેજ આવ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, એક્ટિવા જંકશન પાસે રાખ્યું છે લઇ લેજો. જેથી પરિવારજનો રેલવે સ્ટેશને પહોંચ્યા હતાં. ત્યાં દુકાનના સીસીટીવી ફૂટેજ જોતા અયાન ફરિયાદીની બહેનને લઇ જતો નજરે પડયો હતો. જેથી તેમણે આ અંગે આ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરા અને અપહરણ કરતાની શોધખોળ શરૂ કરી છે.
અન્ય બનાવ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, જામનગર રોડ પર ભૂતનાથ મહાદેવ રોડ પર પુલ પાસે એક શખ્સ ચોરાઉ વાહન સાથે ઉભેલ છે. જેના આધારે સ્થળ પર પહોંચી આરોપીની અટકાયત કરી તેનું નામ પૂછતાં વિવેક રાઠોડ (ઉ.વ.22) જણાવ્યું હતું જેની પાસે રહેલ વાહન અંગે પૂછપરછ કરતા ગલાતલા કરી ડોક્યુમેન્ટ રજૂ ન કરી શકતા પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા ચોરીનું હોવાનું જણાવ્યું હતું. જે બાદ અન્ય એક વાહન પણ ચોરી કર્યા હોવાની કબૂલાત આપતા પોલીસે આરોપી પાસેથી એક KTM બાઈક અને એક એક્સેસ મળી કુલ 1.40 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી દ્વારા થોડા સમય પૂર્વે માલવિયાનગર પોલીસ સ્ટેશન અને ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બન્ને વાહન ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.