શહેરની ભાગોળે ખોખડદળ નજીક યુવક પર કારચાલક સહિત બે શખ્સે હુમલો કર્યો હતો. લોઠડામાં રહેતો રાજા રવજીભાઇ ગણોદિયા (ઉ.વ.28) ગત તા.28ના રાત્રે ખોખડદળ નજીક વરુણ કાસ્ટિંગ સામે ચાલીને જતો હતો ત્યારે એક કાર ધસી આવી હતી અને કારચાલક સતત હોર્ન વગાડતો હતો.
રાજા ગણોદિયાએ જોઇને કાર ચલાવવાનું કહેતા કારચાલક સહિત બે શખ્સ કારમાંથી ઉતર્યા હતા અને એક શખ્સે રાજાને કાન પર તાવિથાનો ઘા ઝીંકી દીધો હતો તો બીજા શખ્સે ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે કારચાલક સહિત બે સામે ગુનો નોંધી બંનેની શોધખોળ શરૂ કરી હતી.