રાજકોટ જિલ્લામાં પડધરી-2 અને પાટણવાવ સહિત નવા 09 સબ ડિવિઝનની મંજૂરી મળતા હવે ત્યાં સ્ટાફ નિયુક્ત કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. નિયત કરતા વધુ ગ્રાહકો એક જ સબ ડિવિઝનમાં થઇ જતાં સમયાંતરે તે સબ ડિવિઝનમાંથી બાયફર્કેશન કરવામાં આવે છે.
એવી જ રીતે જુદા જુદા સબ ડિવિઝનમાંથી નવા 9 સબ ડિવિઝન બનશે. આવું કરવાથી વીજગ્રાહકોને સાતત્યપૂર્ણ વીજપુરવઠો પાડી શકાશે. અંદાજે છ મહિનામાં રાજકોટ રૂરલમાં 2, સુરેન્દ્રનગરમાં 2, જામનગરમાં 2 ઉપરાંત જૂનાગઢ, ભાવનગર અને પોરબંદરમાં 1-1 નવા સબ ડિવિઝન નિર્માણ પામશે. તેના લીધે ત્યાંના ગ્રાહકોને ત્યાં લાઈટ જશે તો તેનો વીજફોલ્ટ શોધવા અને રિપેરિંગ કરવામાં ઝડપ આવશે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વધતા શહેરીકરણ-વસતીથી વીજમાંગમાં સતત વધારો થઈ રહ્યો છે. વીજ વિતરણ વ્યવસ્થામાં સાતત્ય જળવાય રહે અને લોકોને પૂરતા પ્રમાણમાં વીજળી આપી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ જિલ્લામાં બે સહિત સૌરાષ્ટ્રમાં નવા 9 સબ સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે. કુલ અંદાજિત 350થી વધુ જગ્યાઓ-સ્ટાફનું નવું મહેકમ પણ મંજૂર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.