સુરતના લાલ ગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સોદાગર વાડમાં ફાસ્ટ ફૂડની દુકાન ચલાવતા ત્રણ યુવકોને પોલીસકર્મીએ માર મારી મા-બહેન સમી ગાળો કાઢતા હોવાના સીસીટીવી વાઈરલ થતા ચકચાર મચી છે. વેપારીએ મોડે સુધી દુકાન ખુલ્લી રાખી હોવાથી તેની સામે કાયદાકીય કાર્યવાહી કરી શકાય હોત. તેના બદલે પોલીસકર્મીએ જાણે જાતે જ કાયદોમાં હાથમાં લઈ બેફામ ગાળાગાળી કરી માર મારતા ડીસીપીએ તપાસનો આદેશ આપ્યો છે.
દુકાનમાં હાજર વેપારી સહિત ત્રણ લોકોને તમાચા મારી ગાળો કાઢી તારીખ 28 જૂન, 2025, શનિવારના રોજ રાત્રે આશરે 2 વાગ્યે બનેલી આ ઘટનામાં, PCR વનમાંથી આવેલા એક પોલીસકર્મી બોમ્બે ફાસ્ટ ફૂડની દુકાનમાં પ્રવેશ કરે છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, દુકાનમાં પ્રવેશતાની સાથે જ પોલીસકર્મી સૌપ્રથમ દુકાનના માલિક વસીમ સૈયદના ભાઈને ચાર તમાચા મારે છે. ત્યારબાદ તે દુકાનદાર વસીમને એક તમાચો મારે છે. આટલેથી ન અટકતા, તે અંદર જઈને દુકાનમાં કામ કરી રહેલા કારીગરને પણ ત્રણ તમાચા મારે છે. આમ, એક બાદ એક ત્રણ લોકોને કુલ સાત તમાચા મારતા પોલીસકર્મી CCTV કેમેરામાં કેદ થયો છે.
આ દ્રશ્યોમાં જોવા મળે છે કે, એક તરફ પોલીસકર્મી તમાચા મારી રહ્યો છે, ત્યારે બીજી તરફ ત્રણેય યુવાનો હાથ જોડીને તેમની પાસે માફી માંગી રહ્યા છે અને પગે પડી રહ્યા છે. તમાચા મારતી વેળાએ પોલીસકર્મી સતત ગાળો પણ બોલી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે. સીસીટીવી કેમેરા માં ઓડિયો પણ કેપ્ચર થયો છે.