શહેરમાં કુવાડવા રોડ પર ક્રિષ્ના વોટર પાર્ક પાસેથી ક્રાઇમ બ્રાંચે વેસ્ટેજ ટાયરમાં છુપાવેલો રૂ.56.43 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે મૂળ જોનપુરનો અને હાલ રાજકોટનો અને બિહારના શખ્સની ધરપકડ કરી તેની પાસેથી દારૂ, ટ્રક સહિત કુલ રૂ.71.63 લાખની મતા કબજે કરી તેની પૂછતાછ કરતાં વધુ એક નામ ખૂલતા તેને પકડી લેવા કાર્યવાહી કરી છે.
ચોટીલા તરફથી રાજકોટ તરફ આવતી ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની માહિતીને આધારે પીઆઇ ડામોર સહિતની ટીમે કુવાડવા રોડ પર વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં નીકળેલી ટ્રકની તલાશી લેતા ટ્રકમાં વેસ્ટેજ ટાયરનો જથ્થો હોય પોલીસે ટાયરનો જથ્થો દૂર કરતા છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે પૂછતાછ કરતાં હાલ ઘંટેશ્વર પાસે રહેતો અને મૂળ ઉત્તરપ્રદેશનો વિશાલ સુનીલસિંગ રાજપૂત અને બિહારના ફતેહપુરમાં રહેતો રંગીલ રાજકુમાર રાય હોવાનું જણાવતા પોલીસે બન્નેની ધરપકડ કરી તેની પાસેથી રૂ.56.43 લાખની કિંમતનો વિદેશી દારૂ અને મોબાઇલ, ટ્રક મળી કુલ રૂ.71.63 લાખની મતા કબજે કરી હતી.
પોલીસની પૂછતાછમાં બન્ને શખ્સ મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર નજીક વેસ્ટેજ ટાયરના જથ્થા વચ્ચે દારૂ છુપાવી રાજકોટ લઇ આવતા હોવાનું અને આ દારૂનો જથ્થો આલોક નામના શખ્સે ત્યાંથી ડિલિવરી કરી આવવા માટે મોકલ્યા હોવાનું અને આ દારૂનો જથ્થો અહીં કોને ડિલિવરી કરવાની હતી તે અંગે કઇ જાણતા ન હોવાનું રટણ કરતાં પોલીસે બન્નેની વધુ પૂછતાછ માટે કાર્યવાહી કરી વધુ એક આરોપી આલોકને પકડી લેવા કાર્યવાહી કરી છે.