જૂનાગઢના વંથલી પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજકોટ શહેર ઝોન ટુ ની ટીમે ઝડપી પાડ્યો છે. શહેરની રાજમોતી મીલ પાછળ મયુર નગર શેરી નંબર – 7 માં રહેતો અને મજૂરી કામ કરતો 27 વર્ષિય અજય ઉર્ફે અજલો મનુ સોલંકીને પકડી પાડવામાં આવ્યો છે. આ શખ્સ સામે ભક્તિનગર પોલીસ મથકમાં ચોરીનો ગુનો નોંધાયેલો છે તો યુનિવર્સિટી પોલીસ મથકમાં ચીલ ઝડપનો ગુનો પણ દાખલ થયો છે. ગુનાખોરીને લીધે આ શખ્સ અગાઉ પાસામાં પણ ધકેલાઈ ચૂક્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી જૂનાગઢની ચોરીના ગુનામાં નાસતો હતો. જોકે પોલીસે હવે તેને ઝડપી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
અન્ય બનાવમાં રાજકોટ તાલુકા પોલીસ મથકમાં 24 વર્ષિય વેપારી જય કિશોરભાઈ સાવલિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ મોટામવા પાસે સગુન હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહે છે અને સત્યમ રેન્ટવાલા ધ્રુમિલ સાથે ભાગીદારીમાં કાર ભાડે આપવાનો બિઝનેસ કરે છે. ગત 13 જૂનના ભાગીદાર નો મિત્ર હર્ષ વાઘેલા પોતાની બલેનો કાર લઇ ગયો હતો અને બીજા દિવસે પરત આપવા માટે કહ્યું હતું પરંતુ ત્યારબાદ તે કાર પરત આપી ગયો ન હતો અને આ રીતે રૂ.9.10 લાખની કાર લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે જેથી પોલીસે ગુનો નોંધી કાર ચોરી જતા શખ્સને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.