રાજકોટના મોરબી રોડ ઉપર નજીવી બાબતે પડોશીઓ એકબીજા સાથે બાખડ્યાની ઘટના સામે આવી છે. જેમાં બી ડિવિઝન પોલીસ મથકમાં સામસામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે પરંતુ તેમાં બંને પક્ષે ઝઘડાના કારણ અલગ-અલગ આપવામાં આવ્યા છે. શહેરના મોરબી રોડ ઉપર ઉજજવલ સોસાયટી શેરી નંબર -1 માં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કરતા 51 વર્ષિય અશોક પંડ્યાએ અર્જુન મોઢવાડિયા, દેવ ગઢવી અને ત્રણ અજાણ્યા શખ્સો સાથે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે 28 જૂનના રાત્રિના 11:30 વાગ્યે પોતાની શેરીમાં રોડ ઉપર બેસવા બાબતે ગાળાગાળી કરી ઢિકાપાટુનો માર માર્યો હતો અને ઘર પર પથ્થરના ઘા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સામે પક્ષે મોરબી જકાતનાકા પાસે જમના પાર્ક શેરી નંબર 13 માં રહેતા અને ઇમિટેશનમાં મજૂરી કામ કરતા 23 વર્ષિય અર્જુન મોઢવાડિયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અશોક અને સચિન પંડ્યાનું નામ આપ્યું હતું. જેમાં જણાવ્યું કે પોતાને સચિનના પત્ની સાથે અગાઉ મિત્રતા હોય તેનો ખાર રાખી બન્ને શખ્સે ગાળાગાળી કરી કપાળના ભાગે પાઇપ માર્યો હતો. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.