શહેરમાં પોલીસનું નાઇટ પેટ્રોલિંગ નબળું પડતાં બેફામ બનેલા તસ્કરોએ દાણાપીઠમાં એકીસાથે સાત દુકાનના તાળાં તોડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બે દુકાનમાં તાળાં તોડી રોકડ-મોબાઇલની ચોરી કરી નાસી ગયા હતા. જો કે, બે શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા.
પરાબજાર પાસે દાણાપીઠમાં મોડી રાત્રીના એકીસાથે સાત દુકાનના તાળાં તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં બે દુકાનમાં તસ્કરોએ તાળાં તોડી ચોરી કરી જતા વેપારીઓ એકઠા થયા હતા. બનાવની જાણ કરતાં પીઆઇ બોરીસાગર સહિતની ટીમ પહોંચી હતી. બનાવને પગલે વેપારીઓએ નાઇટ પેટ્રોલિંગ નબળા હોવાની નાઇટ પેટ્રોલિંગ વધારવા રોષભેર માંગ કરી હતી.
પોલીસની તપાસમાં કાલાવડ રોડ પર હરિહર સોસાયટીમાં રહેતા અને દાણાપીઠમાં પીતાંબરદાસ ભવાનભાઇ ગોળવાળા નામની દુકાન ચલાવતા પ્રિતેશભાઇ મનહરભાઇ કક્કડ તેમજ તેની જ દુકાનમાં પાટિશન સાથેની કરિયાણાની દુકાન ચલાવતા તેના પિતરાઇ ભાઇ પ્રશાંતભાઇ જેન્તીભાઇ કક્કડની દુકાનના તાળાં તોડી તસ્કરો 4500ની રોકડ તેમજ એક મોબાઇલ ફોનની ચોરી કરી ગયા હોવાનું તેમજ લક્ષ્મણભાઇની લક્ષ્મણ ટ્રેડિંગ, જગદીશભાઇ સોનવાણીની જગદીશ ટ્રેડિંગ, અંકુર ટ્રેડિંગ, જયેન્દ્ર કુમાર છોટાલાલ અને પ્રકાશભાઇની હીરાચંદ ધનજી સુપર માર્કેટ, કરિયાણાની દુકાનના તાળાં તોડવાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવતા પોલીસે પ્રિતેશભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.