વાવડી ગામે ગેરેજ ચલાવતા અને મટુકી રેસ્ટોરન્ટ પાસે એપાર્ટમેન્ટમાં રહેતા યુવકને છ માસ પૂર્વે ગઠિયાએ મિત્રતા કેળવી એક દિવસ કાર ભાડે લઇ જવાનું કહી રૂ.9.10 લાખની કાર લઇને નાસી ગયો હતો.
80 ફૂટ રોડ પર સગુન એપાર્ટમેન્ટમાં રહેતા અને વાવડી ગામે વિશ્વમ નામે ફોર વ્હિલનું ગેરેજ ચલાવતા જયભાઇ કિશોરભાઇ સાવલિયા ભાગીદારીમાં સેલ્ફ કાર પણ ભાડે આપતા હોય અને રાત્રીના અવારનવાર તેના ઘર પાસે મોમાઇ હોટલે બેસવા જતા હોય ત્યાં તેના મિત્ર હિત અને તેનો મિત્ર હર્ષ વાઘેલા પણ આવતો હોય જેથી છેલ્લા છ માસથી પરિચયમાં આવ્યા હતા. દરમિયાન તા.13-6ના રોજ રાત્રીના ભાગીદાર ધ્રુમિલભાઇનો ફોન આવ્યો હતો અને તારા મિત્ર હર્ષભાઇએ ફોન કરી એક દિવસ કાર ભાડે જોઇએ છીએ તેમ વાત કરી હતી. જેથી તેને અમારી કાર બધી ભાડે ગઇ હોવાનું જણાવ્યું હતું. જેથી ભાગીદારે જય ભાઇ પાસે કાર હોય તેને પૂછીને વાત કરું કહ્યું હતું અને તને કાર ભાડે માટે હર્ષ ફોન કરશે તું વાત કરી લેજે.
બાદમાં હર્ષનો ફોન આવ્યો હતો અને કાર ભાડે લઇ જવાની વાત કરી હતી જેથી એક દિવસના ત્રણ હજારમાં કાર ભાડે લઇ જવાની વાતચીત થયા બાદ હર્ષએ કહ્યું કે, હું હાલ અમદાવાદ છું અને મારો ડ્રાઇવર કાર લેવા માટે આવશે તેમ વાત થઇ હતી. બાદમાં હર્ષનો ડ્રાઇવર કાર લઇ ગયો હતા અને તા.14ના રોજ પરત આપી જવાનું કહ્યું હોય પરંતુ કાર પરત આપી ન હતી અને ફોન ઉપાડવાનું બંધ કરી દઇ તેની સાથે છેતરપિંડી કરી નાસી જતાં ગુનો નોંધાયો છે.