શહેરના ઉપલાકાંઠા વિસ્તારના નદીના પટમાં આવેલો વ્હોરાજીનો પુલ જર્જરિત બન્યો છે. અહીંથી દરરોજ મોટી સંખ્યામાં લોકો પસાર થાય છે. વર્ષો જૂનો આ પુલ વહેલી તકે રિપેર નહીં કરાવવામાં આવે તો મોટી દુર્ઘટના નિશ્ચિત મનાઇ રહી છે. લોકોના જીવ જશે ત્યારબાદ જ તંત્ર હરકતમાં આવશે કે માનવ જિંદગીને પ્રાધાન્ય અપાશે તે આગામી દિવસોમાં નિશ્ચિત થઇ જશે.
શહેરના રામનાથપરા સ્મશાનથી કૈસરે હિંદ પુલ તરફ જતાં વચ્ચે આવતો આજી નદીના પટમાં બનાવાયેલો પુલ વ્હોરાજીનો પુલ તરીકે ઓળખાય છે. પાંજરાપોળ પાસેનો બેઠો પુલ બન્યો નહોતો ત્યારે તો આ એકમાત્ર પુલ હતો જે શહેરના ઉપલાકાંઠા અને જૂના રાજકોટને જોડતો હતો. બેઠો પુલ બન્યા પછી વ્હોરાજીના પુલ પરનું ભારણ ઘટ્યું છે જોકે આજે પણ તે પુલ પરથી દરરોજ મોટી સંખ્યામાં લોકો અને વાહનો પસાર થાય છે.
વર્ષો જૂનો આ પુલ જર્જરિત બન્યો છે. પુલ પર ગેપ વધી રહ્યા છે. શરૂઆતમાં પાતળી પટ્ટી દેખાતી હતી જે હવે મોટી થઇ રહી છે અને બે જોઇન્ટ ગમે ત્યારે છૂટા પડી જાય તેવો ભય લોકોને સતાવી રહ્યો છે. આ ઉપરાંત પુલના પિલર પણ ખવાઇ રહ્યા છે અનેક જગ્યાએથી તેમાં પડ ઊખડી ગયા છે, તો કેટલીક જગ્યાએ તો ગાબડાં જોવા મળે છે.