ઇન્ડોનેશિયામાં ભારતીય દૂતાવાસના લશ્કરી અધિકારી કેપ્ટન શિવ કુમાર (ડિફેન્સ એટેચી) ના એક નિવેદને વિવાદ ઉભો કર્યો છે. તેમણે કહ્યું, “ઓપરેશન સિંદૂરના શરૂઆતના તબક્કામાં, ભારતીય વાયુસેનાને પાકિસ્તાની લશ્કરી સ્થાનો પર હુમલો કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. તેમને ફક્ત આતંકવાદી માળખાને નિશાન બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ કારણે ભારતે કેટલાક ફાઇટર વિમાનો ગુમાવ્યા.”
કેપ્ટન શિવકુમાર 10 જૂનના રોજ જકાર્તાની એક યુનિવર્સિટીમાં ‘ભારત-પાકિસ્તાન હવાઈ યુદ્ધ અને ઇન્ડોનેશિયાની વ્યૂહાત્મક વ્યૂહરચના’ વિષય પર આયોજિત સેમિનારમાં બોલી રહ્યા હતા.
કેપ્ટન કુમારે પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે, “ઓપરેશનના શરૂઆતના તબક્કામાં, ‘રાજકીય નેતૃત્વ’ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને કારણે ભારતીય વાયુસેના પાકિસ્તાની લશ્કરી સ્થાનો પર હુમલો કરી શકી નહીં. અમે કેટલાક વિમાન ગુમાવ્યા. રાજકીય નેતૃત્વ તરફથી લશ્કરી સ્થાનો અથવા તેમની હવાઈ સંરક્ષણ પ્રણાલી પર હુમલો ન કરવાની સૂચના આપવામાં આવી હતી.”
તેમણે આગળ કહ્યું, ‘પરંતુ નુકસાન પછી, વ્યૂહરચના બદલાઈ ગઈ અને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા. પહેલા, દુશ્મનની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કરવામાં આવ્યો અને તે પછી જ સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો અને બ્રહ્મોસ જેવી સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલોનો ઉપયોગ કરીને આપણા હુમલાઓ સફળ થઈ શક્યા.’ અગાઉ, સીડીએસ જનરલ અનિલ ચૌહાણે એક મુલાકાતમાં કેટલાક વિમાન ગુમાવવાની વાત સ્વીકારી હતી.