રોહિત શર્માએ રવિવારે T20 વર્લ્ડ કપ જીતના એક વર્ષ પૂર્ણ થવા પર સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો. તેણે લખ્યું, ‘આજના દિવસે જ’. ટીમને જીત અપાવનાર હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવે પણ T20 વર્લ્ડ કપની યાદો પોસ્ટ કરી છે.
એક વર્ષ પહેલા 29 જૂન, 2024ના રોજ ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ જીત સાથે ભારતે 11 વર્ષ પછી ICC ટ્રોફી જીતી હતી.
ટુર્નામેન્ટમાં ભારત તરફથી રોહિત શર્મા, અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહ ટોચના ખેલાડીઓ હતા. રોહિતે 8 ઇનિંગ્સમાં 3 અડધી સદી અને 155+ના સ્ટ્રાઇક રેટ સાથે 257 રન બનાવ્યા. અર્શદીપ સિંહ બોલિંગમાં બીજા નંબરનો ટોપ વિકેટ લેનાર બોલર બન્યો. તેણે 8 મેચમાં 8 કરતા ઓછી ઇકોનોમી સાથે 17 વિકેટ લીધી. જસપ્રીત બુમરાહએ 15 વિકેટ લીધી.