રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બે દિવસ પહેલાં ધોરાજીની નવી શાકમાર્કેટ પાસે ગંદા પાણીના નિકાલના બુગદામાંથી એક 45 વર્ષીય આધેડની નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. જેના આધારે પોલીસે તપાસ કરતા મૃતકની ઓળખ ધોરાજીના રામપરા વિસ્તારના બટુકભાઈ નરસિંહભાઈ મકવાણાની હોવાનું સામે આવ્યું હતું. ધોરાજી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મૃતકના પત્નીની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમિયાન બટુકભાઈની હત્યા તેના જ મિત્ર વિક્રમ મકવાણાએ નિપજાવી હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે બે દિવસ પહેલા ભગવતસિંહજી શાકમાર્કેટમાં આવેલ બુગદામાંથી બટુકભાઈ મકવાણા (ઉ.વ.45)ની નગ્ન હાલતમાં લાશ મળી આવતા ધોરાજી નગરપાલિકાના ફાયર વિભાગ સ્ટાફ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. તપાસ દરમિયાન મૃતકને માથાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા. જેથી પોલીસે હત્યા થઇ હોવાની શંકાના આધારે તપાસ શરૂ કરી હતી. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ ધોરાજીના ASP સીમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ધોરાજી પીઆઈ કે.એસ.ગળચર દ્વારા અલગ અલગ ટીમો બનાવી સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન આ ઘટના પાછળ અન્ય કોઈ નહિ પરંતુ મૃતકનો મિત્ર જ સંડોવાયેલ હોવાની માહિતી મળતા પોલીસે ગણતરીની કલાકમાં હત્યારા મિત્ર વિક્રમ મકવાણાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.