રેલનગરમાં રહેતા અને જિલ્લા પંચાયત ચોક નજીક એકાઉન્ટન્ટ જનરલ ઓફિસમાં સિનિયર એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારી તેની આફિસે નોકરી પર હતા ત્યારે પૂર્વ મિત્ર શિક્ષિકા અને તેના પતિએ મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા એ ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ સહિતનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મહાદેવ પાર્કમાં રહેતા અને જિલ્લા પંચાયત ચોક નજીક આવેલી એકાઉન્ટન્ટ જનરલ ઓફિસમાં સિનિયર એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ગિરીશભાઈ ત્રિભોવનભાઇ રામાનુજ(ઉ.વ.50) ઓફિસે નોકરી પર હતા ત્યારે પુષ્કરધામમાં રહેતા શિક્ષિકા દિવ્યાબેન અને તેના પતિ ગિરીશભાઇ ઓઝાએ હુમલો કરી મારી નાખવાની ધમકી આપી ટેબલમાં તોડફોડ કરી હતી.
બનાવને પગલે એ ડિવિઝન પોલીસમાં ગિરીશભાઇએ ફરિયાદ કરતા પીએસઆઇ વડનગરા સહિતના સ્ટાફે તપાસ કરતા અગાઉ પાડોશમાં રહેતા શિક્ષિકા દિવ્યાબેન સાથે પરિચય થયો હતો. અને બંને સારા મિત્રો બન્યા હતા. દિવ્યાબેનને મકાન ખરીદવું હોય જેના માટે તેણીએ રૂ. 50 હજાર ઉછીના માંગ્યા હતાં. જે રકમને ગિરીશભાઈએ હાથ ઉછીની આપી હતી. રકમ આપ્યા વધુ સમય થયો હોવાથી રૂપિયા પાછા માંગતા મહિલાએ રૂપિયા પાછા આપવાની મનાઈ કરી ગિરીશભાઈ વિરૂધ્ધ છેડતીની ફરિયાદ કરી હતી. જે કેસ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો હોવાનું જણાવ્યું હતું.