શુક્રવારે અષાઢી બીજના પાવન દિવસે નાનામવાથી શ્રી જગન્નાથ મંદિર કૈલાસધામ આશ્રમ દ્વારા ભગવાન જગન્નાથજીની 26 કિલોમિટર લાંબી રથયાત્રાનું ભવ્યાતિત આયોજન કરવામાં આવ્યું હતું. જગન્નાથ મંદિર દ્વારા છેલ્લા 18 વર્ષથી રથયાત્રા યોજાય છે.
રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાના વરદ્દ હસ્તે શુક્રવારે સવારે 8.30 વાગ્યે પહિંદવિધિ થયા બાદ ‘’જય જગન્નાથ’’ના નાદ સાથે રથયાત્રાનો નાનામવાથી પ્રારંભ થયો હતો. રથયાત્રામાં રાસ મંડળી, અઘોરી મંડળી, વૃંદાવન મંડળી, ઉજ્જૈનના સૌથી ઊંચા બાહુબલી હનુમાનજી વિગેરે સૌ કોઇ માટે આકર્ષણરૂપ બન્યા હતા. જગન્નાથજીના જય-જયકાર સાથે નીકળેલી રથયાત્રામાં રાધાક્રિશ્ના અને હનુમાનજીના જીવંત પાત્રો ઉપરાંત વિશાળ નંદીની પ્રતિમાએ આકર્ષણ જમાવ્યું હતું. તેમજ સાધુસંતો દ્વારા હેરતભર્યા પ્રયોગો પણ રજૂ કરવામાં આવ્યા હતા.