અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા ખોમેનીના એ દાવાની ટીકા કરી છે કે જેમાં તેમણે ઈઝરાયલ સામેના યુદ્ધમાં વિજયની ઘોષણા કરી હતી.
ટ્રમ્પે શુક્રવારે ટ્રુથ સોશિયલ પર કહ્યું કે ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ સ્થળો સંપૂર્ણપણે નાશ પામ્યા છે અને તેની સેના અને અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેઓ ખોમેનીના ઠેકાણાથી વાકેફ હતા, પરંતુ તેમણે ઇઝરાયલ અને યુએસ સૈન્યને તેમની હત્યા કરતા અટકાવ્યા, તેમનો જીવ બચાવ્યો.
ટ્રમ્પે કહ્યું- મેં ખોમેનીને ભયાનક અને અપમાનજનક મૃત્યુથી બચાવ્યા. મને આશા પણ નથી કે તેઓ મારો આભાર માનશે.
ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈરાન પર લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવવાનું વિચારી રહ્યા હતા, પરંતુ ખોમેનીના ગુસ્સાવાળા અને દ્વેષપૂર્ણ નિવેદન પછી તેમણે આ યોજના રદ કરી દીધી.
ઈરાનની પરિસ્થિતિને વિનાશક ગણાવતા ટ્રમ્પે કહ્યું કે વૈશ્વિક વ્યવસ્થામાં જોડાવાને બદલે તેમનો દેશ ગુસ્સો અને દુશ્મનાવટ બતાવી રહ્યો છે, જેના કારણે તેની સેના, અર્થતંત્ર અને ભવિષ્ય બરબાદ થઈ ગયું છે.