ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં રાજકીય પક્ષોની પ્રત્યક્ષ કે પ્રતીક સ્વરૂપે ગેરહાજરી છતાં કેટલીક જગ્યાએ રસાકસી સર્જાતી હોય છે અને તેમાં કડવાશ પણ ભારોભાર ઉપજતી હોય છે. એવું જ એક ગામ એટલે ગોંડલ તાલુકાનું રિબડા, જે લાંબા સમયથી બાહુબલીઓના જંગના મેદાન તરીકે જાણીતું હતું. ત્યાં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીતે સરપંચની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે.
રાજકોટની રીબડા ગ્રામપંચાયતની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. હોટ ગણાતી ગ્રામ પંચાયત પર અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીતસિંહ જાડેજાની જીત થઈ છે. એક સભ્યની પેટાચૂંટણી યોજાઇ હતી. રીબડા ગામના વોર્ડ નંબર ૮ની પેટા ચૂંટણી યોજાઇ હતી.
અનિરુદ્ધસિંહ જાડેજાના પિતા અને પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના અવસાનથી આ સીટ ખાલી થઇ હતી. જેમાં સત્યજીતસિંહ જાડેજા 77 મતથી વિજેતા બન્યા છે, સામે હરીફ ઉમેદવાર રક્ષિત ખૂંટનો પરાજય થયો છે.
રીબડા સ્ટેટની ત્રીજી પેઢી રીબડા ગામ તો સાવ ખોબાં જેવડું પણ તેનું નામ આખું ગુજરાત જાણે છે, તેનાં પાયામાં મહિપતસિંહ જાડેજા અને તેમના દીકરા અનિરુદ્ધસિંહ જાડેજા છે. ગુજરાત રાજ્યની સ્થાપના પહેલાં સૌરાષ્ટ્ર અલગ રાજ્ય હતું, ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી ઢેબરભાઈએ ગિરાસદારી પ્રથા નાબુદ કરીને ‘ખેડે તેની જમીન’નો કાયદો લાગુ કર્યો હતો.
આથી ગરાસિયા ક્ષત્રિયોએ મોટી માત્રામાં જમીન ગુમાવવાનો ભય ઊભો થયો. તેની સામે ગિરાસદારી આંદોલન શરૂ થયું. એ વખતે તરુણવયના મહિપતસિંહે તેમાં ભાગ લીધો અને હદપારી પણ વ્હોરી લીધી હતી.