શુભમન ગિલની કેપ્ટનશિપની યાત્રાની શરૂઆત હાર સાથે થઈ. ભારત એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પહેલી મેચ 5 વિકેટથી હારી ગયું હતું. લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમમાં મંગળવારે ઇંગ્લેન્ડે 5 વિકેટ ગુમાવીને 371 રનનો લક્ષ્યાંક પૂરો કર્યો હતો.
શરૂઆતના 4 દિવસ સુધી મેચ બરાબરી પર હતી, છેલ્લા દિવસે ઇંગ્લેન્ડને જીતવા માટે 350 રન બનાવવાના હતા. ટીમે ઘરઆંગણે શાનદાર બેટિંગ કરીને જીત મેળવી. બેન ડકેટ (149 રન) અને જેક ક્રોલી (65 રન) એ 188 રનની રેકોર્ડ ઓપનિંગ પાર્ટનરશિપ કરી.
ભારતીય ટીમનો મિડલ ઓર્ડર અને લોઅર મિડલ ઓર્ડર બંને ઇનિંગ્સમાં કોલેપ્સ કરી. પહેલી ઇનિંગ્સમાં ભારતીય ટીમે છેલ્લી 6 વિકેટ માત્ર 41 રનમાં ગુમાવી દીધી હતી, જ્યારે બીજી ઇનિંગ્સમાં છેલ્લા 5 બેટર્સ 31 રનની અંદર પેવેલિયન પરત ફર્યા હતા.
પ્રથમ ઇનિંગમાં કરુણ નાયર શૂન્ય, રવીન્દ્ર જાડેજા 11 અને શાર્દૂલ ઠાકુર 1 રન બનાવીને આઉટ થયા હતા, જેના કારણે ભારત પ્રથમ ઇનિંગમાં 500 રનનો સ્કોર પાર કરી શક્યું ન હતું. બીજી ઇનિંગમાં કરુણ નાયર 20, રવીન્દ્ર જાડેજા 25 અને શાર્દૂલ ઠાકુર 4 રન બનાવીને આઉટ થયા હતા. આ વખતે ટીમ ઇંગ્લેન્ડને 400 પારનો લક્ષ્યાંક આપી શકી ન હતી. જ્યારે બીજી ઇનિંગમાં ટીમે 5 વિકેટે 333 રન બનાવ્યા હતા.