રાજકોટમાં ચોમાસુ હજુ જામ્યુ નથી છતાં દર વર્ષની જેમ આ વર્ષે સારો વરસાદ થવાની આશા છે. સાથે જ દર વર્ષની જેમ રાજકોટના રસ્તાઓ પર ખાડા પણ પડશે તે નકકી છે. આથી ગત વર્ષની જેમ આ વર્ષે પણ આ મોંઘી ટેકનોલોજીથી ચાલુ વરસાદે ખાડા બુરવાના કામ માટે ફરી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. એજન્સીની ઓફર આવે તે બાદ આ અંગે મંજૂરીની કાર્યવાહી હાથ ધરાશે. ચાલુ વરસાદે જેટપેચર મશીનથી ખાડા બુરવાના કામ ગત વર્ષથી શરૂ કરવામાં આવ્યા છે. પ્રમાણમાં આ કામ થોડુ મોંઘુ પડે છે પરંતુ વરસાદમાં ખાડાથી લોકો હેરાન ન થાય તે માટે આ ટેકનોલોજી સ્વીકારવા નિર્ણય લેવાયો હતો. ગત વર્ષે ટ્રાયલ બાદ એજન્સી પાસે કામ શરૂ કરાવાયું હતું. જે તે એજન્સી આ મશીનરી લાવીને મનપા કહે એ વિસ્તારમાં ખાડા બુરવા સહિતનું પેચવર્ક કરી આપે છે. આ વર્ષે રૂ. 2 કરોડના કામ માટે રી-ટેન્ડર કરવામાં આવ્યા છે. અગાઉના ટેન્ડરમાં માત્ર એક પાર્ટી આવતા ફરી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ વર્ષે બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં નવી શરતો ઉમેરી છે. જેમાં રોજ ન્યુનતમ 300 ચો.મી. કામ એજન્સીએ કરવું પડે તે ફરજીયાત બનાવાયું છે.
અન્ય સમાચાર રાજકોટમાં વોર્ડ-9માં મુંજકા પોલીસ ચોકીથી આગળ વોકળા પર બોક્સ કલવર્ટ તથા આર્ષ વિદ્યામંદિર પાસે વોકળા પર બ્રિજ બનાવવાની કામગીરી રાજકોટ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની હોવાથી શહેર પોલીસ દ્વારા આ રૂટ પરથી પસાર થતા વાહનો માટે ડાઈવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વિકલ્પ-1 મુજબ નવા 150 ફૂટ રીંગરોડ-2 પરથી યુનિવર્સિટી રોડ તરફ જવા માટે મુંજકા મેઈન રોડ, હરસિદ્ધિ માતાજી મંદિરરામાપીર મંદિર – મુંજકા ગામની શેરીઓમાં થઈને યુનિવર્સિટી રોડ તરફ જઈ શકાશે. તેમજ યુનિવર્સિટી રોડ પરથી નવા 150 ફૂટ રિંગરોડ-2 પર જવા મુંજકા ગામની શેરીઓમાં થઈને રામાપીર મંદિર -હરસિદ્ધિ મંદિર રોડ – મુંજકા મેઈન રોડથી નવા 150 ફૂટ રિંગરોડ-2 તરફ જઈ શકાશે. વિકલ્પ-2 મુજબ, નવા 150 ફૂટ રિંગરોડ પરથી યુનિ. રોડ તરફ જવા માટે મુંજકા મેઈન રોડ – હરસિદ્ધિ મંદિર – રામાપીર મંદિર પાસે શેરી નં.15 મુંજકા મેઈન રોડ તરફ, યુનિ. રોડ પરથી નવા 150 ફૂટ રિંગરોડ-2 પર જવા મુંજકા ગામની શેરીઓમાં થઈ રામાપીર મંદિર – હરસિદ્ધિ મંદિર, મુંજકા મેઈન રોડથી નવા 150 ફૂટ રિંગરોડ-2 તરફ જઈ શકાશે. બ્રિજ નં.2 એટલે કે મુંજકા આર્ષ વિદ્યામંદિર સામેના વોકળા પર બ્રિજનું કામ ચાલુ હોવાથી એક વૈકલ્પિક રૂટ જાહેર કરાયો છે. જે મુજબ, નવા 150 ફૂટ રિંગરોડ પરથી ટીટોડિયા પરા જવા માટે તેમજ ટીટોડિયા પરાથી નવા 150 ફૂટ રિંગરોડ તરફ જવા માટે રૂટ નંબર-1 મુજબ જઈ શકાશે અને યુનિ. રોડ પરથી નવા 150 ફૂટ રિંગરોડ પર જવા માટે મુંજકા ગામની શેરીઓમાં થઈને રામાપીર મંદિર, હરસિદ્ધિ મંદિર, મુંજકા મેઈન રોડથી નવા 150 ફૂટ રિંગરોડ તરફ જઈ શકાશે. આ હુકમનો ભંગ કરનારા વાહનચાલકો સજાને પાત્ર ઠરશે.