કોઠારીયા રોડ પર દેવપરા વિસ્તારના ભવનાથ મંદિર ભાડાના મકાનમાં રહેતા ધવલભાઇ નરેશભાઈ ખીચી (ઉ.વ.24)એ ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જેનીશ રજપૂતનું નામ આપતાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રીના સમયે તે ઘરે હાજર હતો ત્યારે કૌટુંબિક સગા આશીષભાઇનો ફોન આવ્યો કે, જેનીશ ઉર્ફે જેનીયો રજપુત તને ભવનાથ મંદીર પાસે બોલાવે છે. જેથી તે ભવનાથ મંદિરે ગયો હતો. જ્યા આશીષભાઈને કહેલ કે જેનીશ ક્યા છે તો તેણે કહેલ કે જેનીશ પોતાની ગાડી લઈને નીકળી ગયો છે. તે વખતે મોટા બાપુના દિકરા અશોકભાઈને ફોન કરીને વાત કરતા તેઓ પણ ભવનાથ મંદિરે આવી ગયા હતા. બાદ 10 વાગ્યે જેનીશ ઉર્ફે જેનીયો તેના હાથમા લાકડાનો ધોકો લઇ ધસી આવ્યો હતો અને મારવા જતા અશોકભાઈ વચ્ચે પડતા તેની પાસેથી ધોકો લઈ લીધેલ હતો. ત્યારે જેનીશ કહેતો હતો કે, આજે તુ બચી ગયો હવે તુ મારા વિરુદ્ધ કોઇ ફરીયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ એમ ધમકી અને ગાળો આપી જતો રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આશરે 9 દિવસ પહેલા જેનીશે ફરિયાદીને ગળા પર છરી મૂકી અગાઉ વર્ષ 2022માં જેનીશના મિત્ર દીપેન વિરુદ્ધ કરેલી ફરિયાદમાં સમાધાન કરી લેવા ધમકી આપી હતી. જેથી ડીસીબી દ્વારા જાહેર કરવામાં આવેલ વોટસેપ નંબર ઉપર જેનીશ ઉર્ફે જેનીયો વિરુદ્ધ ફરીયાદ કરેલ હતી જેનો ખાર રાખી જેનીશે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.