શહેરની ભાગોળે મોરબી રોડ પર નવા બની રહેેલા મકાનની સાઇટ પર અરેરાટીભરી ઘટના બની હતી. પરપ્રાંતીય દંપતી કડિયાકામ કરી રહ્યું હતું ત્યારે તેની એક વર્ષની પુત્રીને બોલેરોની ઓથે સુવડાવી હતી. આ વાહનનું તોતિંગ વ્હિલ ફરી વળતાં બાળકીનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
મધ્ય પ્રદેશના કુંદનપુર તાલુકાના ગલતી મેડા ગામના વતની અને છેલ્લા સાતેક વર્ષથી રાજકોટમાં રહી છૂટક મજૂરી કરતાં અબલાભાઇ મિટિયાભાઇ મેડા (ઉ.વ.33)એ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બોલેરો ચાલક સુખા મેણંદ ચાવડાનું નામ આપ્યું હતું. અબલાભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે તથા તેની પત્ની નર્બીબેન તા.23ના સવારે મોરબી રોડ પર રાધામીરા સોસાયટીની બાજુમાં નવા બની રહેલા મકાનની સાઇટ પર કડિયાકામ કરી રહ્યા હતા ત્યારે તેમની એક વર્ષની પુત્રી ક્રિષ્નાને તેમના શેઠ સુખા ચાવડાએ પાર્ક કરેલી બોલેરોની આગળના ડાબી બાજુના ટાયર આગળ સુવડાવી હતી.
વરસાદ આવતો હોવાથી જનેતા નર્બીબેને પોતાની ફૂલ જેવી પુત્રીને ખાલી સિમેન્ટની થેલી ઓઢાવી હતી. બાળકી નિદ્રાવસ્થામાં હતી અને તેના માતા-પિતા કડિયાકામ કરી રહ્યા હતા. બોલેરો જ્યાં પાર્ક કરી હતી ત્યાં સિમેન્ટનો જથ્થો મૂકવાનો હોવાથી સુખા ચાવડાએ તે જગ્યા ખાલી કરવા પોતાની બોલેરો ચાલુ કરી હતી અને બોલેરો આગળ હંકારતા જ ત્યાં સિમેન્ટની ખાલી થેલીમાં વીંટળાઈને સૂતેલી માસૂમ ક્રિષ્ના પર બોલેરોનું તોતીંગ વ્હિલ ફરી વળતાં મોત થયું હતું.