રાજકોટ સિવિલમાં ઓબેસિટી ક્લિનિકનો પ્રારંભ

રાજ્ય સરકારના ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત’ અભિયાનને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે એક અતિ આધુનિક ઓબેસિટી ક્લિનિકનો શુભારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાનના ‘મન કી બાત’ કાર્યક્રમમાં ભારતના લોકો માટે મેદસ્વીતા સામેની લડતને વેગ આપવાની હાકલ બાદ આ પહેલ કરવામાં આવી છે. આ ક્લિનિકમાં 3 અનુભવી ડાયટિશિયનની નિમણૂક કરવામાં આવી છે, જેઓ સોમવારથી શનિવાર સુધી સવારે 9:00થી બપોરે 12:30 કલાક સુધી નિ:શુલ્ક સેવાઓ પૂરી પાડશે.

સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. મોનાલી માકડિયાએ આ પહેલ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનના ‘મન કી બાત’ કાર્યક્રમમાં મેદસ્વીતા નિયંત્રિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ જાહેરાત બાદ રાજ્યભરની સરકારી હોસ્પિટલોમાં ઓબેસિટી ક્લિનિક્સ શરૂ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આના પરિણામે, જે સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાની ફી ચૂકવવી પડતી હતી, તે હવે ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં સંપૂર્ણપણે નિ:શુલ્ક ઉપલબ્ધ થશે.

નિષ્ણાત ડાયટિશિયન દર્દીઓને સેવાઓ પૂરી પાડશે રાજકોટની પીડીયુ હોસ્પિટલ ખાતે ખાસ ઓબેસિટી સેન્ટરમાં ડાયટિશિયન ઓપીડી શરૂ કરવામાં આવી છે. આ સેન્ટરમાં ડાયટિશિયન એકતા રાવલ, મયુરી ઝાલા અને ખુશી પૂર્વગાંધીયાની નિમણૂક કરવામાં આવી છે. આ ત્રણેય નિષ્ણાતો સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડીંગ નંબર 15મા સવારે 9:00થી બપોરે 12:30 વાગ્યા દરમિયાન નિઃશુલ્ક તેમની સેવાઓ આપશે. આ ઓપીડીમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર, મેદસ્વીતા, અસ્થમા, હૃદય રોગ, પાચનતંત્રના રોગો, લીવર ડીસીઝ ધરાવતા દર્દીઓ લાભ લઇ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *