યુવકે પત્ની સાથે મળી પ્રેમિકાને કહ્યું, ‘મિત્રતા ભૂલી જા, વચ્ચે આવીશ તો મારી નાખીશ’

શહેરના 150 ફૂટ રિંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળના સંતોષપાર્કમાં પરિણીત યુવક અને તેની પરિણીત પ્રેમિકા વચ્ચે ધમાલ થઇ હતી. યુવકે ફ્રેન્ડશિપ ભૂલી જવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, તો પ્રેમિકાએ પણ પતિ સાથે મળી પૂર્વ પ્રેમી અને તેની પત્નીને મારકૂટ કરી હતી. સંતોષપાર્કમાં રહેતા અને 12 વર્ષના પુત્રની માતા બંસીબેન મયૂરભાઇ પંડ્યા (ઉ.વ.45)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દ્વારકેશપાર્કમાં રહેતા વિમલ ભાનુશંકર જોષી અને તેની પત્ની જીજ્ઞાશા જોષીના નામ આપ્યા હતા. બંસીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.22ના રાત્રીના સવા અગિયાર વાગ્યાના અરસામાં પોતે ઘર નજીક વોકિંગ કરતા હતા ત્યારે તેનો ફ્રેન્ડ વિમલ જોષી અને તેની પત્ની જીજ્ઞાશા સ્કૂટર પર નીકળ્યા હતા અને વિમલે ‘તું મારી પત્ની માટે કેમ હલ્કા શબ્દોનો ઉપયોગ કરતી હતી’ તેમ બંસીબેનને કહ્યું હતું અને જીજ્ઞાશાએ પોતાનું સ્કૂટર બંસીબેનના પગ સાથે અથડાવતા બંસીબેન પડી ગયા હતા.

પટકાયેલા બંસીબેનને વિમલ જોષી અને તેના પત્ની જીજ્ઞાશાએ ઢીકાપાટુનો માર માર્યો હતો. ઘટનાને પગલે બંસીબેનના પતિ મયૂર પંડ્યા દોડી ગયા હતા તો વિમલ અને તેની પત્નીઅે મયૂર પંડ્યાને પણ માર માર્યો હતો. બંસીબેને ફરિયાદમાં કહ્યું હતું કે, અગાઉ વિમલે ધમકી આપી હતી કે,‘ મારી સાથે ફ્રેન્ડશિપ ભૂલી જજે, હવે અમારા બંનેના સંસારમાં વચ્ચે આવીશ તો તારા ટાંટિયા ભાંગી જાનથી મારી નાખીશ’ હુમલામાં ઘવાયેલા બંસીબેન અને તેના પતિ મયૂર પંડ્યાને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.

સામાપક્ષે મનપાના પ્રોજેક્ટ બ્રાંચના મેનેજર જીજ્ઞાશાબેન વિમલભાઇ જોષીએ વળતી ફરિયાદ નોંધાવી હતી, તેમણે કહ્યું હતું કે, પોતે તથા તેમના પતિ સ્કૂટર પર જતા હતા ત્યારે પતિ વિલમભાઇની પૂર્વ ફ્રેન્ડ બંસી પંડ્યા જોઇ જતાં તેણે ગાળ ભાંડવાનું શરૂ કર્યું હતું. જોષી દંપતીએ ગાળો દેવાની ના કહેતા બંસી પંડ્યા ઉશ્કેરાઇ હતી અને તેણે જીજ્ઞાશાબેનના વાળ પકડી ધક્કો મારી મારકૂટ કરી હતી, તે સાથે જ બંસીનો પતિ મયૂર પંડ્યા કાર લઇને ધસી આવ્યો હતો અને તેણે વિમલભાઇનું ગળું દબાવી મારકૂટ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોષી દંપતીને પણ મારામારીમાં ઇજા થતાં બંનેને સારવાર લેવી પડી હતી. પોલીસે બંને પક્ષની ફરિયાદ પરથી સામસામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *