સુરત શહેરમાં ચોમાસાની શરૂઆતમાં જ વરસેલા 10 ઈંચ વરસાદે સ્માર્ટ સિટીની ‘સુરત’ બગાડી નાખી છે. ડ્રેનેજ પાછળ સેંકડો કરોડ રૂપિયાના ખર્ચ બાદ પણ શહેરના રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા ખર્ચને લઈ સવાલો ઉઠ્યા છે. સુરત મહાનગરપાલિકા દર વર્ષે ડ્રેનેજ પાછળ અંદાજિત 500 કરોડની ફાળવણી કરતું હોય છે. પરંતુ, સુરતની ડ્રેનેજ સિસ્ટમની વાત કરીએ તો, એક કલાકમાં એક ઈંચ વરસાદ વરસે તો જ વ્યવસ્થિત પાણીનો નિકાલ થઈ શકે. જો એક ઈંચ કરતા વધુ વરસાદ વરશે તો પાણી ભરાવાનું નક્કી રહે છે.
આજે પણ સાંબેલાધાર વરસેલા વરસાદના કારણે સુરત શહેરમાં ખાડીપૂર વગર પણ પુણા ગામ, અડાજણ, વરાછા સહિતના વિસ્તારના લોકોએ પૂર જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો. આ વિસ્તારના કોમ્પલેક્સમાં બેઝમેન્ટમાં આવેલી દુકાનો આખેઆખી ડૂબી જતા વેપારીઓએ કરોડો રૂપિયાનું નુકસાન જવાની ભીતિ છે. જળબંબાકારની સ્થિતિમાં લોકોના ઘર અને પોલીસ સ્ટેશન પણ બાકાત ન રહ્યા. વરસાદી પાણી ઘર અને દુકાનોમાં ઘૂસી જતા નુકસાની સહન કરવાનો વારો આવતા લોકોએ SMC પર રોષ ઠાલવ્યો હતો. ભાસ્કર રિપોર્ટરે પણ કેડસમા પાણીમાં અલગ અલગ વિસ્તારમાં પહોંચી લોકો અને વેપારીઓની આપવીતી જાણવાનો પ્રયાસ કર્યો હતો.
વરાછા મેઈન રોડ પર બેઝમેન્ટની દુકાનો આખેઆખી ડૂબી ગઈ સુરતમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે વરાછા મેઈન રોડ પર તો જાણે નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. અહીં આવેલા શોપિંગ કોમ્પલેક્સની બેઝમેન્ટની દુકાનો આખેઆખી ડૂબેલી જોવા મળી. ઈલેકટ્રોનિક્સ સહિતની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.