રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે (23 જૂન) લલ્લુડી વોકળા વિસ્તારના રહેવાસીઓ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. હાલ ચોમાસાના પ્રારંભે 24 કલાકમાં ઘર ખાલી કરવાની નોટિસ મળતા 300થી વધુ લોકોનું ટોળું મનપા કચેરીએ દોડી આવ્યું હતું. કોંગ્રેસની આગેવાનીમાં ‘ન્યાય આપો, ન્યાય આપો’ અને ‘ભાજપ સરકાર હાય હાય’ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોંગી આગેવાનોએ મ્યુ. કમિશનરને રજૂઆત કરી હતી. જેમાં ચોમાસામાં ડિમોલિશન નહીં કરવાની ખાતરી મળતા મામલો થાળે પડ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14માં આવેલા લલ્લુડી વોકળા વિસ્તારમાં રહેતા 400થી વધુ પરિવારોને ગઈકાલે 24 કલાકમાં ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. આ પરિવારો છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી આ વિસ્તારમાં રહે છે. ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે, ત્યારે અચાનક મળેલી આ નોટિસથી લોકોમાં ભય અને આક્રોશ ફેલાયો હતો. સ્થાનિક રહેવાસીઓનો આરોપ છે કે પોલીસ અને શાસકો દાદાગીરીથી સોગંદનામા કરાવી વિસ્તાર ખાલી કરાવવા દબાણ કરી રહ્યા છે.
શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ આ તકે જણાવ્યું હતું કે, અગાઉ તારીખ 02/06/2025ના રોજ ઇન્વર્ડ નંબર 1636ના અનુસંધાનમાં મનપાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે, જે રહેવાસીઓને નોટિસ આપી ખાલી કરાવવામાં આવે છે તેમને હાલમાં સોરઠીયાવાડી પાસેના આવાસ, જે વર્ષોથી ખાલી પડ્યા છે, તે ફાળવવા જોઈએ. જોકે, આ રજૂઆતનો કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. આ સાથે જ 24 કલાકમાં મકાન ખાલી કરવાની નોટિસો ચોમાસા દરમિયાન આપવામાં આવતા આજે કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન કોઈ ગરીબોના મકાનનું ડિમોલિશન થાય તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવાની ચેતવણી પણ તેમણે આપી હતી.