રાજકોટના નવા જિલ્લા કલેક્ટર તરીકે આજે (23 જૂન) સોમવારે ડૉ. ઓમ પ્રકાશે ચાર્જ સંભાળ્યો હતો. પ્રથમ દિવસે જ તેમના દ્વારા રાજકોટના રેસકોર્સ મેદાનમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાતીગળ લોકમેળાનુ રાજ્ય સરકારની SOPમાં કોઈ બાંધછોડ કર્યા વિના કઈ રીતે આયોજન કરી શકાય તેની બેઠક કરવાનો નિર્ધાર કર્યો હતો. જરૂર પડ્યે રાઈડ ધારકો સાથે પણ મિટિંગ કરવાની વાત કરી હતી. આ ઉપરાંત રાજકોટ-જેતપુર હાઇવે પર બ્રિજના કામોને લીધે વાહનચાલકોને પડતી મુશ્કેલીનો પોતે પણ અનુભવ કર્યો હોવાની વાત કલેકટરે કરી હતી. જેથી આ માટે નેશનલ હાઈવે ઓથોરિટી અને પોલીસ સાથે સંકલનમાં રહી લોકોને કઈ રીતે ઓછામાં ઓછી ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે અને બ્રિજનું કામ કેટલું ઝડપથી થઈ શકાય તે માટે ચર્ચા કરાશે તેમ જણાવ્યુ હતુ.
આ સિવાય ઇન્ડસ્ટ્રીયલ હબ ગણાતા રાજકોટ જિલ્લાની જરૂરિયાતના આધારે તેનું ડેવલપમેન્ટ કરવા અને ઉભરતા સેક્ટરને આગળ લઈ આવવા માટે પ્રયત્ન કરવામાં આવશે. અગાઊ દોઢ વર્ષ અહીં રાજકોટ ગ્રામ્યમાં પ્રાંત અધિકારી તરીકે કામ કર્યું હોવાનો અનુભવ કલેકટર તરીકેની કામગીરીમાં ખૂબ કામ આવશે તેવું જણાવ્યું હતું.
અગાઉ ડેપ્યુટી કલેક્ટરના ચાર્જમાં કામ કરેલુ છેઃ ડૉ. ઓમ પ્રકાશ રાજકોટના નવા જિલ્લા કલેકટર તરીકે ચાર્જ સંભાળતા ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, સોમવારે રાજકોટ જિલ્લાના કલેક્ટર તરીકે મેં ચાર્જ સંભાળ્યો છે. અગાઉ દોઢ વર્ષ સુધી રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યો છું. જે અગાઉ પણ રાજકોટ શહેરના તમામ ડેપ્યુટી કલેક્ટરના ચાર્જમાં કામ કરેલું છે. જે અનુભવ રાજકોટ જિલ્લાના એડમિનિસ્ટ્રેશનમાં કામ આવશે.