રાજકોટમાં કમળાનાં 5 અને ટાઇફોઇડનો વધુ 1 કેસ

રાજકોટમાં હાલ મિશ્ર ઋતુનાં કારણે રોગચાળો વકરી રહ્યો છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ-કમળાનાં દર્દીઓ સતત સામે આવી રહ્યા છે. છેલ્લા 4 મહિનાથી મનપા દ્વારા પાણીજન્ય રોગચાળો અટકાવવા પ્રયાસ કરવામાં આવતો હોવા છતાં સતત 19માં સપ્તાહે પણ મનપાનાં ચોપડે કમળાનાં 5 દર્દીઓ અને ટાઇફોઇડનો વધુ 1 કેસ સામે આવ્યો છે. તેમજ ચાલુ સપ્તાહે વિવિધ રોગના મળીને કુલ 1,821 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. પાણીજન્ય રોગચાળો રોકવા ક્લોરીનેશન વધારવા, પીવાનું અને ગટરનું પાણી મિક્સ થાય નહીં તે માટે પગલાં લેવાનું શરૂ કર્યું છે.

જોખમી ગણાતા ટાઇફોઇડ તાવનો 1 કેસ પ્રાપ્ત વિગત મુજબ, છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1,821 કેસ નોંધાયા હતા. જેમાં શરદી-ઉધરસનાં 703 કેસ, ઝાડા-ઊલટીનાં 220 કેસ, સામાન્ય તાવનાં 891 કેસ નોંધાયા છે. સતત 19માં સપ્તાહે પણ જોખમી ગણાતા ટાઇફોઇડ તાવનાં 1 કેસ અને કમળાનાં પણ વધુ 5 કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનો 1 કેસ નોંધાયો છે. જોકે મેલેરિયા અને ચિકનગુનિયાનો કોઈ કેસ નોંધાયો નથી. આંકડાઓ માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈએ તો દર્દીનો કુલ આંકડો 9,000 કરતા પણ વધુ હોવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *