STએ પહેલીવાર વોલ્વોના વેઈટિંગ રૂમમાં નાનકડું પુસ્તકાલય બનાવ્યું!

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રાજકોટ એસ.ટી. બસપોર્ટમાં એક અનોખી અને પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે. હવે મુસાફરો માટે બસની રાહ જોતી વખતે સમય પસાર કરવો માત્ર રાહ જ જોવાનો મુદ્દો નહીં રહે, પરંતુ જ્ઞાનપ્રદ અને રસપ્રદ બની રહેશે. નવી શરૂ કરાયેલ લાઇબ્રેરી યાત્રિકોને વાંચન માટે ઉત્તમ સાથી બનશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ બસની રાહ જોતી વખતે મુસાફરો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને સમય ઉપયોગી રીતે પસાર થાય અને જ્ઞાન પણ મળે તેવો છે. પુસ્તક વાંચન માનસિક આરામ, ચિંતન અને મનોરંજન ત્રણેયને સુમેળ આપે છે. હવે મુસાફરો સફરમાં પોતે પસંદ કરેલા વિષય પર વાંચન કરી શકશે, જે અનેક માટે સફરને યાદગાર બનાવશે.

લાઇબ્રેરી ખાસ કરીને વોલ્વો બસના વેઇટિંગ રૂમમાં સ્થાપિત કરવામાં આવી છે. અહીં મુસાફરો માટે વિવિધ પ્રકારના પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં આત્મવિશ્વાસ વધારતા સ્નેહભર્યા પુસ્તકોથી લઈને લોકપ્રિય નવલકથાઓ, જીવન જીવવાની કળા શીખવતા પ્રેરણાદાયક પુસ્તકો અને બાળકો માટેની કથાઓનો સમાવેશ થાય છે. યાત્રિકો અહીંથી પોતાને પસંદગીના પુસ્તકો લઇને બસમાં પણ વાંચી શકે છે.

રાજકોટ એસ.ટી. બસપોર્ટની લાઇબ્રેરી માત્ર પુસ્તકોના જથ્થાની વાત નથી, તે એક વિચારધારાની શરૂઆત છે – સમયનો સકારાત્મક ઉપયોગ, વાંચન તરફ વળતર અને યાત્રાને જ્ઞાનમય બનાવવાની દિશામાં એક મોટું પગલું. આવી પહેલ સમાજમાં જ્ઞાનની આગવી જ્યોત પ્રગટાવે છે અને દરેક યુવા માટે પ્રેરણારૂપ બને છે. રાજકોટ એસ.ટી.ના વોલ્વોના ડેપો મેનેજર એન.વી. ઠુમ્મરની મંજૂરીથી યાત્રિકો માટે આ સારું કાર્ય શરૂ કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *