ગુજરાતમાં 16મી જૂને ચોમાસાનો પ્રવેશ થયા બાદ આઠ દિવસમાં જ આખા રાજ્યને કવર કરી લીધું છે. આઠ દિવસમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 16 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં મેઘમહેરની આગાહી કરી છે. આજની વાત કરીએ તો, આજે દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, બનાસકાંઠા, નવસારી અને વલસાડમાં રેડએલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 23 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાત્રે 10 વાગ્યા સુધીમાં 155 તાલુાકમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જામનગરના જોડીયામાં 7 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. જોડીયામાં બપોરે 4 થી રાત્રે 8 સુધીમાં છ ઈંચ વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના અમીરગઢમાં પણ આજે 5 ઈંચ વરસાદ નોંધાયો છે. રાત્રે 10 વાગ્યા સુધીમાં 21 તાલુકા એવા છે કે જ્યાં બે ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે.
રાત્રે 10 વાગ્યા બાદ સુરત શહેરમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થતા ગણતરીની મિનિટોમાં જ રસ્તાઓ પાણી પાણી થયા હતા.