વિશ્વની સૌથી મોટી લોજિસ્ટિક્સ કંપનીઓમાંની એક, ફેડએક્સ (FedEx)ના ફાઉન્ડર અને એક્ઝિક્યુટિવ ચેરમેન ફ્રેડરિક વોલેસ સ્મિથનું 80 વર્ષની વયે નિધન થયું છે.
ફેડએક્સ (FedEx)ના CEO રાજ સુબ્રમણ્યમે કંપનીના સ્ટાફને ઈમેલ મોકલીને આ અંગે માહિતી આપી છે. ફ્રેડરિકે 1973માં 389 લોકો અને 14 નાના વિમાનો સાથે ફેડએક્સ (FedEx)ની શરૂઆત કરી હતી.
આજે, કંપની પાસે 705 વિમાનો, 2 લાખથી વધુ વાહનો અને 5,000 ઓપરેટિંગ સુવિધાઓ છે. 5 લાખથી વધુ કર્મચારીઓ દરરોજ લગભગ 1.7 કરોડ શિપમેન્ટનું સંચાલન કરે છે.
1944માં જન્મેલા ફ્રેડરિક સ્મિથે વિયેતનામ યુદ્ધમાં યુએસ મરીન કોર્પ્સના અધિકારી તરીકે સેવા આપી હતી. આ પછી, તેમણે 1973માં ફેડરલ એક્સપ્રેસની સ્થાપના કરી. તે સમયે, ફેડએક્સે અમેરિકાના 25 શહેરોમાં 186 પેકેજો પહોંચાડ્યા હતા. આજે કંપનીનું નેટવર્ક સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે.