કોમી વૈમનસ્ય કેસમાં આરોપી આજે કોર્ટમાં રજૂ

વડોદરા શહેરમાં વિવિધ વોટ્સએપ ગ્રુપ બનાવી કોમી વૈમનસ્ય ફેલાવવાના કેસમાં અત્યાર સુધીમાં ગોત્રી પોલીસે 8 આરોપીની ધરપકડ કરી છે. 9 ઇસમોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ કેસની તપાસ વડોદરા પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે. આ ઉપરાંત વિવિધ એજન્સીઓ પણ પોલીસના સંપર્કમાં છે. આ ઉપરાંત સેન્ટ્રલ આઇબીની ટીમે વડોદરામાં આવીને તપાસ કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે આતંકી કનેક્શન અંગે પણ તપાસ શરૂ કરી છે. જોકે, હજી સુધી આતંકી કનેક્શનને લઇને કોઇ કડી મળી નથી.

વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, 25 ઓગસ્ટના રોજ એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં લઘુમતિ કોમની એક મહિલા સાથે એક છોકરો હતો. તેની સાથે કેટલાક શખ્સો મારપીટ કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે, બીજા ધર્મના છોકરા સાથે તમે કેમ અફેર રાખો છો. જેને પગલે વડોદરા પોલીસે તપાસ શરૂ કરી હતી અને 3 આરોપીની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં 500 લોકોનું ગ્રુપ બનાવવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. એક ધર્મની યુવતી બીજા ધર્મના છોકરા સાથે જોવા મળે તો તેની પર વોચ રાખતા હતા. છોકરી કઇ ગાડીમાં ગઇ, છોકરો અને છોકરી ક્યાં મળે છે તેની વોચ રાખતા હતા.

વીડિયો બનાવીને વાઇરલ કરતા
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આવા છોકરા-છોકરીઓ મળે તેમની સાથે મારપીટ કરતા હતા અને તેમના વીડિયો બનાવતા હતા. વીડિયો બનાવીને વાઇરલ કરતા હતા અને કેટલાક કિસ્સાઓમાં છોકરીના માતા-પિતાને બ્લેકમેઈલ પણ કરતા હતા. છોકરીઓની સગાઇ અને લગ્ન તોડાવતા હતા. છોકરા-છોકરીઓના વીડિયો તેમના ગ્રુપમાં વાઇરલ કરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *