ઈજનેર અગાઉ 10 લાખની માગણીના વિવાદમાં પણ આવી ચૂક્યા છે

ધ્રાંગધ્રાના રાજસીતાપુર સબ ડિવિઝનના ડેપ્યુટી ઈજનેર અને જુનિયર ઈજનેરે ઓફિસમાં એસી નખાવવા માટે કોન્ટ્રાક્ટરો પાસેથી છ-છ હજાર ઉઘરાવ્યા હોવાના સ્ક્રીનશોટ ફરતા થતા વિવાદ થયો છે. કોન્ટ્રાક્ટરોના વોટ્સએપ ગ્રૂપમાં સ્પષ્ટ દેખાય છે કે જુનિયર ઈજનેર કોન્ટ્રાક્ટરો પાસેથી છ-છ હજારની ઉઘરાણી કરે છે છતાં ભ્રષ્ટાચાર આચરનાર કર્મચારી સામે પગલાં લેવામાં પીજીવીસીએલ હજુ જાણે મુહૂર્ત જુએ છે. આ ઉપરાંત ગુજરાત એનર્જી એમ્પ્લોઈઝ ટેક્નિકલ એસોસિએશન (ગીતા) દ્વારા પણ શુક્રવારે પીજીવીસીએલના એમ.ડીને લેખિતમાં ફરિયાદ કરી છે કે, આ અધિકારીએ અગાઉ પણ 10 લાખની માંગણી કરી હતી જેનો ઓડિયો જે-તે સમયે વાયરલ થયો હતો.

રાજસીતાપુર સબ ડિવિઝનના જુનિયર ઈજનેરે કોન્ટ્રાક્ટરના વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ મૂકીને કહ્યું હતું કે, ઓફિસમાં એ.સી નાખવાનું હોવાથી દરેક કોન્ટ્રાક્ટ ભાઈઓએ 6 હજારની ભાગીદારી આપવાની છે. કેટલાક કોન્ટ્રાક્ટરે પેમેન્ટ નહીં કરતા JEએ ફરી બે વખત મેસેજ મુક્યો કે ‘દરેક કોન્ટ્રાક્ટરને વિનંતી કે તાત્કાલિક સૂચનાનો અમલ કરે વારેવારે યાદ ન કરાવવું પડે’. ટેક્નિકલના એસોસિએશને પીજીવીસીએલના એમ.ડીને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે, રાજસીતાપુર સબ ડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયર અને જુનિયર એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટર પાસે પૈસા માગ્યા હોવાના સ્ક્રીનશોટ ફરતા થયા છે. આ ઇજનેરે અગાઉ પણ દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી તેનો પણ ઓડિયો વાયરલ થયો હતો. જેથી અધિકારીઓ ઉપર કંપનીના નિયમો અનુસાર કાર્યવાહી થવી જોઈએ.

કંપનીના નિયમો નેવી મુકીને રૂપિયાની માંગણીઓ કરવાથી કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે છે. કોન્ટ્રાક્ટરો પાસેથી ટકાવારી લેતા અધિકારીઓ ખુલ્લા પડ્યા છે જેથી હવે આવા અધિકારીઓની મિલકત તથા બેંક ખાતાની તપાસ એલસીબી દ્વારા કરાવવામાં આવે જેથી ભ્રષ્ટાચાર બહાર પાડી શકાય. આ અધિકારી ઉપર તાત્કાલિક અસરથી ખાતાકીય પગલાં લઈ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *