આગામી તા. 27 ઓગસ્ટથી ગણપતિ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે જેને અનુલક્ષી રાજકોટના ઈન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ આ વખતે પણ પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓનું વેંચાણ કે સ્થાપના કરી શકાશે નહીં. સાથે સાથે 9 ફૂટ કરતાં વધુ ઊંચાઈની મૂર્તિ પણ બનાવવી કે તેની સ્થાપના કરી શકાશે નહીં.
રાજકોટ પોલીસના જાહેરનામામાં જણાવાયું છે કે, નક્કી કરેલા અને મંજુરી લીધેલા સ્થળો સિવાય મૂર્તિનું વિસર્જન કરી શકાશે નહીં. જે જગ્યાએ મૂર્તિઓ બનતી હોય તેની નજીકના વિસ્તારમાં ગંદકી ન થાય તેનું મૂર્તિકારે ધ્યાન રાખવું પડશે. એટલું જ નહીં મૂર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ પણ કરી શકાશે નહીં.
સ્થાપના દિવસ બાદ મૂર્તિકારો વેચાણ ન થયેલી અને ખંડિત થયેલી મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકી શકશે નહીં. કોઈપણ ધર્મના લોકોની લાગણી દૂભાય તેવા ચિન્હો કે નિશાનીવાળી મૂર્તિઓ પણ બનાવવી કે વેચી શકાશે નહીં. આ પ્રકારની મૂર્તિઓની સ્થાપના પણ કરી શકાશે નહીં. પરમીટમાં દર્શાવાયેલા રૂટ સિવાયના અન્ય રૂટ પરથી સ્થાપના કે વિસર્જનના સરઘસ પણ યોજી શકાશે નહીં. ગણેશ પંડાલમાં સીસીટીવી કેમેરા અને અગ્નિશમનના સાધનો પણ રાખવા પડશે. આ જાહેરનામું આગામી તા.22 જૂનથી લઈ તા. 20 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે.