રાજકોટમાં આજે(19 જૂન) ઠક્કરબાપા નગરમાં રહેતા 69 વર્ષીય વૃદ્ધાનું કોરોનાને કારણે મોત થયું છે, સાથે જ શહેરમાં કોરોનાના વધુ 8 નવા કેસ નોંધાયા છે, જેમાં એક બાળક અને એક સગીરનો પણ સમાવેશ થાય છે. જોકે, રાહતની વાત એ છે કે આજે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે. આજે 11 દર્દીઓ હોમ આઇસોલેશનમાંથી સ્વસ્થ થઈ ગયા છે. આ સાથે રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસનો આંકડો 195 પર પહોંચ્યો છે, જ્યારે કોરોના મુક્ત થયેલા દર્દીઓની સંખ્યા 144 થઈ ગઈ છે. હાલ શહેરમાં કુલ 51 સક્રિય કેસ છે, જેમાંથી 1 દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને બાકીના 50 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.
વૃદ્ધાનું કોરોનાથી મોત આજે રાજકોટમાં એક ચિંતાજનક ઘટના પણ બની છે. જેમાં ઠક્કરબાપા નગરમાં રહેતા 69 વર્ષીય વૃદ્ધાનું મોત થયું છે, જેઓ કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત હતા અને તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય અધિકારી જયેશ વાંકાણીના જણાવ્યા મુજબ આ વૃદ્ધાને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટૂંકી સારવાર બાદ તેમનું અવસાન થયું હતું. જોકે, તેઓ કોમોર્બિડ (અન્ય ગંભીર બીમારીઓથી પીડિત) હોવાને કારણે તેમના મૃત્યુને કોવિડ ડેથ ગણી શકાય નહીં.