જસદણ નગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં, શહેરના મોટાભાગના રોડ-રસ્તાઓની હાલત ચોમાસાના પહેલા વરસાદમાં જ બદતર થઈ ગઈ છે, જેના કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નગરપાલિકા દ્વારા વિકાસના મોટા દાવાઓ અને કરોડો રૂપિયાના ખર્ચના બણગાં ફૂંકવામાં આવી રહ્યા છે, પરંતુ ભ્રષ્ટાચાર અને સત્તાધીશોની બેદરકારીના કારણે પ્રજાને ઉબડખાબડ રસ્તાઓ પરથી પસાર થવાની ફરજ પડી રહી છે.
અધૂરામાં પૂરું જસદણની સિવિલ હોસ્પિટલ નજીક તો રોડની વચ્ચોવચ મસમોટો ભુવો પડી ગયો છે. જેના કારણે નાનામોટા અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે. છતાં જસદણ નગરપાલિકાના જવાબદારોના પેટનું પાણી પણ હલતું નથી.
નગરજનોની માંગ: સત્તા છોડી પ્રજા વચ્ચે આવો જસદણના જાગૃત નગરજનોની સ્પષ્ટ માંગ છે કે નગરપાલિકાના પદાધિકારીઓએ સત્તાની ખુરશી છોડીને પ્રજા વચ્ચે આવવું જોઈએ અને રોડ-રસ્તાઓ સહિતની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવું જોઈએ. પ્રજાના પ્રશ્નોને ગંભીરતાથી લઈ, જવાબદારીપૂર્વક કામગીરી કરવાથી જ જસદણનો સાચો વિકાસ શક્ય બનશે.