શહેરમાં વાતાવરણમાં પલટો આવવાની સાથે શરદી-ઉધરસ, તાવ અને પાણીજન્ય રોગચાળાના કેસ વધ્યા છે. જેમાં ઝેરી કમળાથી 9 વર્ષની બાળાનું અને ઝાડા થવાથી 6 વર્ષની બાળાનું મૃત્યુ થયું છે.
રાજકોટમાં જૂના માર્કેટ યાર્ડ પાસે સાગરનગર-9માં રહેતા રામાભાઇ ભાંગરાની દીકરી વિજયાને કમળો થતાં નાનામવા રોડ પર ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. દરમિયાનમાં તબિયત વધુ લથડતાં સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઇ જતા હતા ત્યારે રસ્તામાં જ વિજયાનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. આજી ડેમ પોલીસ સ્ટેશનના જમાદાર હેમંતભાઇએ જણાવ્યું હતું કે, વિજયાને લીવરની તકલીફ હતી અને ઝેરી કમળો થતાં સારવાર માટે અમદાવાદ લઇ જતા હતા ત્યારે માર્ગમાં જ તેનું બીમારીને કારણે મૃત્યુ નીપજ્યું હતું. ઝેરી કમળાને કારણે મોતને ભેટનારી વિજયા ત્રણ બહેન અને એક ભાઇમાં વચેટ હતી અને ધો.5માં અભ્યાસ કરતી હતી. કમળો થયા બાદ લીવર અને મગજને પણ અસર થઇ હતી. તેના પિતા જેસીબીનો વ્યવસાય ધરાવે છે.
બીજા બનાવમાં કાલાવડ રોડ પર વીરડા વાજડી ખાતે રહેતા મૂળ દાહોદના અમિતભાઇ બામણિયાની 6 વર્ષની પુત્રી ધ્રુવીને બે દિવસ પહેલાં ઝાડા થઇ જતાં સારવાર માટે મેટોડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાંથી બીજા દિવસે મંગળવારે ધ્રુવીની તબિયત વધુ લથડતાં અને બેભાન થઇ જતાં રાજકોટની ઝનાના હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં ખસેડાઇ હતી. અહીં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. ધ્રુવી ત્રણ બહેન અને એક ભાઇમાં બીજા નંબરે હતી. જ્યારે તેના પિતા સીએનસી કંપનીમાં નોકરી કરે છે. આ ઘટનાથી બામણિયા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. ધ્રુવીની અંતિમવિધિ માટે પરિવારજનો તેના મૃતદેહને વતન લઇ ગયા છે.